Gujarat Video: ભાવનગરમાં યુનિવર્સિટીનાં પેપર લીક કેસમાં પોલીસ ફરિયાદ દાખલ, કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત 3 લોકોની અટકાયત

|

Apr 04, 2023 | 6:50 PM

Bhavnagar: ભાવનગર યુનિવર્સિટીના પેપરલીક કેસમાં જી.એલ. કાકડિયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગાલાણીની અટકાયત કરાઈ છે.

ભાવનગર  પેપરલીક કાંડના 3 દિવસ બાદ આખરે MKB યુનિવર્સિટીના સત્તાધીશોએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટીના રજિસ્ટાર કૌશિક ભટ્ટે પેપરકાંડના આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. નિલમબાગ પોલીસ મથકમાં સત્તાધીશોએ જી.એલ. કાકડિયા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, અમિત ગાલાણી અને 3 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાવ્યો છે.

જે વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે તેમાં સૃષ્ટિ બોરડા, અજય લાડુમોર અને વિવેક મકવાણાનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે ઇન્ચાર્જ આચાર્યના મોબાઇલમાંથી પ્રશ્નપત્રના ફોટા વાયરલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ જાણવા જોગ અરજીના આધારે નિલમબાગ પોલીસે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સહિત 3 લોકોની અટકાયત કરી હતી.

તો બીજી તરફ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેપરલીક કેસમાં યુનિવર્સિટી સત્તાધીશો તરફથી પણ મોટી કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ઇન્ચાર્જ પ્રિન્સીપાલની અટક કર્યા બાદ સફાળા જાગેલા યુનિવર્સિટી તંત્રએ આરોપી અમિત ગાલાણી વિરૂદ્ધ કાર્યવાહી કરી અને ગાલાણીની પ્રાધ્યાપક તરીકેની માન્યતા રદ કરી. સાથે જી.એલ. કાકડીયા કોમર્સ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું.

આ પણ વાંચો: Breaking News: ભાવનગર યુનિવર્સિટીનું B.Comનુ પેપર લીક થવાના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલની કરાઈ અટકાયત, પેપરનો ફોટો લીક થયો હોવાનું સામે આવ્યુ

કોલેજની યુનિવર્સિટી સાથેની માન્યતા રદ કરવા મુદ્દે સર્વોચ્ચ સત્તામંડળને ભલામણ કરાઇ છે. સત્તાધીશોનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર નહીં થાય તો એકાઉન્ટ વિષયની પરીક્ષા પણ રદ થઇ શકે છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video