ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું અભિવાદન કર્યું

|

Sep 29, 2022 | 11:28 PM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આજે અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું(Kalyan Chaubey) અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AIFF ના માનદ કોષાધ્યક્ષ, કિપા અજય અને જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણી હાજર રહ્યા હતા.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આજે અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું(Kalyan Chaubey) અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AIFF ના માનદ કોષાધ્યક્ષ, કિપા અજય અને જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણી સાથે જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ અને જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસીએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, એ.આઇ.એફ.એફ. પ્રમુખ તરીકે કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત જીએસએફએ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી નોમિનેટ કરીને ભારતીય ફૂટબોલની સેવા કરવાની તક આપી હતી

સંબોધન કરતાં કલ્યાણ ચૌબેએ એ.આઇ.એફ.એફ.ની પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતમાંથી તેમને નોમિનેટ કરવા બદલ પરિમલ નથવાણી અને જી.એસ.એફ.એ.નો આભાર વ્યક્ત કર્યો હતો. “એ.આઈ.એફ.એફ.ના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂટબોલ રમેલા વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે પરિમલ નથવાણીએ મને ગુજરાતમાંથી નોમિનેટ કરીને ભારતીય ફૂટબોલની સેવા કરવાની તક આપી હતી,” તેમ ચૌબેએ કહ્યું હતું.

ભારત જીતવા માટે ભાગ લેશે

તેમણે ભારતમાં ફૂટબોલના વિકાસ અને ભારતીય ફૂટબોલને વધુ ઊંચા સ્તરે પહોંચાડવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે “અમે ભારતમાં ફૂટબોલના વિકાસ માટે રોડમેપ તૈયાર કર્યો છે. અમે ફૂટબોલ ગ્રાઉન્ડ ધરાવતી લગભગ 18,000 શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચીશું અને લગભગ 18 લાખ વિદ્યાર્થીઓનો એક સમુહ તૈયાર કરીશું,  જેઓ ફૂટબોલની બેઝિક સ્કિલ્સ શીખશે. આ વિદ્યાર્થીઓમાંથી અમને પાંચ-દસ વર્ષ પછી સારા ખેલાડીઓ મળશે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.” તેમણે કહ્યું કે અત્યાર સુધી ભારત રમતોમાં માત્ર ભાગ લેતું હતું, પરંતુ હવે ભારત જીતવા માટે ભાગ લેશે.

કલ્યાણ ચૌબેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ભારતમાં ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેઓ ઈચ્છે છે કે જ્યારે ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રે પ્રશંસા મેળવી છે ત્યારે ભારત આ રમતમાં પ્રગતિ કરે.

Published On - 11:26 pm, Thu, 29 September 22

Next Video