ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાના મામલે હવે વિવાદ વધુ વકર્યો છે. પીડિત નવનીત બાલધીયાને ન્યાય અપાવવા માટે સમગ્ર કોળી સમાજ મેદાને આવ્યો છે. આ હુમલાના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે આગામી 01 ફેબ્રુઆરીએ ભાવનગરમાં એક ‘ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ન્યાય સભા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં યોજાવા જઈ રહી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સભાના સફળ આયોજન માટે અત્યારથી જ વિવિધ વિસ્તારોમાં રાત્રી બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે.
કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજના દરેક વ્યક્તિને આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે હાંકલ કરવામાં આવી છે. આ સભામાં ખુદ ભોગ બનનાર નવનીત બાલધીયા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ દ્વારા સમાજ પોતાની શક્તિનું પ્રદર્શન કરી પ્રશાસન પાસે વહેલી તકે ન્યાયની માંગણી કરશે.
આ અંગે ગીરસોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યુ કે SIT ની તપાસ સંપૂર્ણ ગુપ્ત રીતે થતી હોય છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવતી નથી. હવે આ તપાસના અંતે જો અમને સંતોષજનક ન્યાય નહીં મળે તો અમે નવનિત બાલધિયાની સાથે છીએ અને તેની અપેક્ષા મુજબ આગળની કાર્યવાહી કરશુ. સમગ્ર સમાજ નવનિતની સાથે છે.
ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરના રોજ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધીયા પર હુમલાની ઘટના બની હતી. આમાં મુખ્ય ષડયંત્રકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસ કે SIT ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી ન હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. હવે આને પગલે કોળી સમાજ હાલ રોષમાં છે અને તેમણે હવે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં યોજાનારા કોળી સમાજના સંમેલનને લઈને સમાજમાં આંતરિક ફાંટા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ આ સંમેલનના ઉદ્દેશ્યથી હજુ સુધી અજાણ છે.
આ તરફ પૂર્વ કેબિનેટ મંત્રી અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કહ્યુ કે “સંમેલન કયા હેતુ માટે બોલાવવામાં આવેલ છે, તેની મને જાણ નથી અને હજુ સુધી કોઈ આમંત્રણ પણ મળ્યું નથી. જો આમંત્રણ મળશે તો તેનો ઉદ્દેશ જાણીને જવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.” વધુમાં તેમણે ઉમેર્યું કે, માત્ર એક વ્યક્તિના કહેવાથી સમાજનું સંમેલન બોલાવી શકાય નહીં.
વધુમાં બાવળિયાએ જણાવ્યું કે, “નવનીત બાલધિયા કેસમાં સરકારનું મન ખુલ્લું છે અને મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલ SIT (Special Investigation Team) દ્વારા તપાસ ચાલી રહી છે, જે હજુ પૂર્ણ થઈ નથી. સમાજે સરકાર અને તેની તપાસમાં વિશ્વાસ રાખવો જોઈએ.”
Published On - 5:41 pm, Sat, 24 January 26