Gujarat Election 2022: સુરતના કતારગામમાં સ્મૃતિ ઈરાનીએ ગજવી સભા, ભારત જોડો યાત્રા પર ઉઠાવ્યા સવાલ

|

Nov 25, 2022 | 10:42 PM

Gujarat Election 2022: ગુજરાતના ચૂંટણી રણમાં તમામ પાર્ટીઓએ પ્રચાર તેજ કર્યો છે. સુરતના કતારગામમાં ભાજપના પ્રચારક સ્મૃતિ ઈરાનીએ પ્રચાર કર્યો, જેમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને આકરા પ્રહાર કર્યા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સુરતમાં પાટીદાર વર્ચસ્વ ધરાવતી વરાછા, કતારગામ અને કામરેજ અને ઓલપાડ સહિતની બેઠકો પર તમામ પાર્ટીઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે. સત્તા મેળવવા માટે નિર્ણાયક ગણાતી આ બેઠકો જીતવા માટે ભાજપના દિગ્ગજ પ્રચાર કરી રહ્યા છે. સુરતના કતારગામમાં આજે સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.

“ભારત તૂટ્યુ જ નથી તો ભારત જોડો યાત્રા કેમ?”- સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગતા હોવાનો સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો. આ સાથે સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉઠાવ્યો કે કે ભારત તૂટ્યુ જ નથી તો ભારત જોડો યાત્રા કેમ? તમિલનાડુમાં રાહુલ ગાંધીએ મા ભારતીનું અપમાન કરનારા લોકો સાથે બેઠક કરી અને ભારત જોડો યાત્રામાં ભારતના ટૂકડા કરવાના નારા આપનારા લોકો રાહુલ ગાંધીની પાછળ ચાલતા હોવાનો પણ સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ કર્યો છે.

આપને જણાવી દઈએ વરાછામાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. આ અગાઉ યુપી સીએમ યોગી આદિત્યનાથે વરાછામાં મેગા રોડ શો યોજ્યો હતો. રૂપાલા અને માંડવિયા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ પાટીદાર વિસ્તારમાં સભા યોજી ચુક્યા છે.

Published On - 10:32 pm, Fri, 25 November 22

Next Video