Gujarat Election 2022: ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ શક્તિસિંહ ગોહિલનું નામ લઈ આપ્યુ આ નિવેદન

|

Nov 26, 2022 | 10:13 PM

Gujarat Election 2022: ગુજરાતના ચૂંટણી રણમાં દિવસે દિવસે પ્રચાર વધુ જોર પકડી રહ્યો છે. રાજકીય પક્ષો પણ પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીએ પ્રથમવાર શક્તિસિંહ ગોહિલનું નામ લઈ પ્રહાર કર્યા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. રોજે રોજ નીતનવા ભાષણોનો મારો સાંભળવા મળી રહ્યો છે. પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે. વાર પર પલટવાર અને આક્ષેપબાજીનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે ભાવનગર ગ્રામ્યથી ભાજપના ઉમેદવાર અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકીએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરષોત્તમ સોલંકીએ કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલનું નામ લઈને કહ્યું કે “આ લોકોએ અમને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, હું મુંબઈથી ભાવનગર આવ્યો એટલે આ લોકોને ભાગી જવું પડ્યું હતું. મારા આવવાથી શક્તિસિંહને કચ્છ જતા રહેવું પડ્યું હતું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે અને મારે જે કરવું હોય તે કરીને જ બતાવું છું.”

પરષોત્તમ સોલંકીના શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર

ભાવનગર ગ્રામ્યથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકીએ શક્તિસિંહ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું આ તો આભાર માનો કે હું અહીં આવ્યો અને તેમને ભાગવુ પડ્યુ. તમે અમારા કોઈને દુ:ખી કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ, પણ હું તમારા સામે દોડી ગયો એટલે તમે અહીંથી નીકળી કચ્છ જતા રહ્યા. એમા મારો શું વાંક? મેં તો તેમને કંઈ કહ્યું નથી.

શક્તિસિંહે આપ્યુ વિવાદી નિવેદન

આ તરફ શક્તિસિંહ ગોહિલે પણ જામનગરમાં પ્રચાર દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ડબલ એન્જિન સરકાર મુદ્દે શક્તિસિંહે કટાક્ષ કર્યો. સાથે જ વિવાદી નિવેદન આપ્યુ હતુ. શક્તિસિંહે કહ્યું, “મને એક સરપંચે કહ્યું કે રૂપો ગયો અને ભુપો આવ્યો, પરંતુ અમારા હાલાત એવાને એવા જ છે.” સાથે જ તેમણે મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.

Next Video