Ahmedabad : બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શાંત થતા જ વહીવટી તંત્ર એક્શનમાં, બેનર્સ અને હોર્ડિંગ્સ હટાવાયા

|

Dec 04, 2022 | 7:14 AM

5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે તે પહેલા આચારસંહિતાના ભાગરૂપે તમામ રાજકીય પાર્ટીઓના હોર્ડિગ્સ દૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત ઈલેક્શન 2022 : બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર શાંત થતાની સાથે જ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.. શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ચૂંટણીનો પ્રચાર કરતા જેટલા પણ બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવેલા હતા તેને વહીવટીતંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે.  5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે તે પહેલા આચારસંહિતાના ભાગરૂપે આ તમામ રાજકીયપક્ષો, ઉમેદવારોના હોર્ડિગ્સ દૂર કરવામાં આવ્યા છે.

આચારસંહિતાના ભાગરૂપે હોર્ડિગ્સ દૂર કરાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે. ત્યારે  અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં  11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ EVMને વેરહાઉસમાં લઈ જવાશે. EVMને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે.

Published On - 7:13 am, Sun, 4 December 22

Next Video