Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર, આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે

|

May 04, 2022 | 6:01 PM

જો કોરોનાની લહેર નહીં આવે તો રાજકોટનો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો યોજાઇ શકે છે. વહીવટી તંત્રમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટના મેળા અંગે બેઠક યોજાશે.

સૌરાષ્ટ્રવાસી (Saurashtra) ઓ માટે આનંદના સમાચાર છે. રાજકોટમાં જન્માષ્ટમી (Janmashtami) નો મેળો આ વર્ષે યોજાય તેવી પૂરી શક્યતા છે. જો કોરોનાની લહેર નહીં આવે તો રાજકોટ (Rajkot) નો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો યોજાઇ શકે છે. વહીવટી તંત્રમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટના મેળા અંગે બેઠક યોજાશે. રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી જણાવ્યું હતું કે, આ અંગે આગામી સમયમાં જ બેઠક આયોજીત કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમીનો લોકમેળો વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવેલ હતો.

જોકે હવે કોરોના વાઇરસની મહામારી હવે નહિવત થતાં હવે આગામી ઓગસ્ટ માસમાં બે વર્ષના સમયગાળા બાદ હવે તા. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. કલેક્ટરે વિશેષમાં જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આયોજીત કરવામાં આવશે. આગામી સમયમાં આ મેળા માટે તૈયારીઓ શરુ થશે.

આ મેળાને મલાહવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંંથી લોકો રાજકોટમાં ઉમટી પડે છે અને હૈયે હૈયુ દળાઇ એટલી માનવ મેદની આ મેળામાં મહાલવા માટે આવે છે. જન્માષ્ટમીનો આ લોકમેળો લોકમેળા ઉત્સવ સમિતિના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાય છે. આગામી સમયમાં આ મેળા અંગેની તૈયારીઓનો દોર વહીવટી તંત્રે હાથ પર લઇ પ્રાંત કચેરીઓમાં બે વર્ષ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ કરી લીધું છે.

Published On - 5:59 pm, Wed, 4 May 22

Next Video