ગરવા ગિરનારની તળેટીમાં યોજાઈ દૂધધારા પરિક્રમા, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો પરિક્રમા પથ- Video
ભવનાથમાં ગરવા ગિરનારની તળેટી કરમણ ભગતની જગ્યાથી દૂધધારા પરિક્રમા યોજાઈ હતી. છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી આ પરિક્રમા ગમે તેવો વરસાદ હોય કે મૌસમ વેરી હોય બંધ નથી રહેતી. આ દરમિયાન સારા વરસાદ અને અબોલ જીવોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે.
ગિરનારની તળેટીમાં આજે પરંપરાગત દૂધધારા પરિક્રમાનું આયોજન થયું. છેલ્લા 72 વર્ષથી અવિરતપણે જેઠ વદ અગિયારસના દિવસે આ પરિક્રમાનું આયોજન થાય છે. ભવનાથમાં સ્થિત કરમણ ભગતની જગ્યાથી આ પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને પદયાત્રીઓ ગિર અભ્યારણ્યમાં પરિક્રમા કરતાં બોરદેવી સુધી જતા હોય છે. જ્યાં પરિક્રમા પથ પર દૂધની ધારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે છેલ્લા સાત દાયકાથી ચાલી આવતી આ અવિરત પરંપરા વરસાદી માહોલમાં પણ ક્યારેય બંધ નથી રહી.
વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાની શરૂઆત થાય છે અને પછી ગિરનારની પરિક્રમાના માર્ગ ઉપર જ યાત્રા આગળ વધે છે. રસ્તામાં આવતા તમામ મંદિરોમાં પણ દૂધનો અભિષેક થાય છે. માલધારી સમાજ માટે આ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. ગિરનારની આસપાસ વસતા માલધારી સમાજના લોકો વિશ્વ હિન્દુ પરિષદ સહિત વન વિભાગના લોકો અને સ્થાનિકો પણ આ પરિક્રમામાં જોડાયા હતા. અબોલ જીવોની સુખાકારી અને સારા વરસાદની કામના આ પરિક્રમા સાથે જોડાયેલી છે.
પરિક્રમા માટે વન વિભાગ માટે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. દૂધધારા પરિક્રમા દરમિયાન “હર હર મહાદેવ” અને “જય ગિરનારી”ના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો હતો.
Input Credit- Vijaysinh Parmar- Junagadh