દેશભરમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી થઇ. ત્યારે અમદાવાદમાં પણ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી.ખાડિયામાં કામેશ્વરની પોળ પાસે પુસ્તક પરબ પર સ્વર્ગીય વડાપ્રધાનની જન્મ જયંતિની ઉજવણી કરાઇ. ભાજપ નેતા ભૂષણ ભટ્ટ અને સ્થાનિકોએ સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની છબીને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
દેશભરમાં અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરામાં રૂ.230 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા 3.50 કી.મી. ના નવીન ફ્લાય ઓવર “અટલ બ્રિજ” નું લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.
તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે.