ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો લીધો ઉધડો, SOU અને જંગલ ખાતાના અધિકારીઓને ગણાવ્યા વિચીત્ર પ્રાણી- Video
ફરી સંકલન બેઠકમાં મનસુખ વસાવાનો આક્રમક અંદાજ જોવા મળ્યો અને તેમણે જંગલખાતાના અધિકારીઓનો ઉધડો લીધો. ત્યાં સુધી કે વસાવાએ તેમને વિચીત્ર પ્રાણી પણ કહી દીધા.
રાજપીપળા કલેકટર કચેરીમાં યોજાયેલી સંકલન બેઠક આક્રમક બની હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર વરસી પડ્યા, તેમણે અધિકારીઓનો ઉધડો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો. SOUનાં અને નર્મદાનાં DFOને વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ અધિકારીઓ કોઈને કોઈ પ્રકારનાં બહાના કરી વિકાસનાં કામો અટકાવી દે છે. વસાવાએ અધિકારીઓને પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી હતી.
સાંસદે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના રસ્તાઓ મંજૂર થયા છે, જેનું ઈ-ભૂમિપૂજન સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. છતાં વન વિભાગે આ કામો અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરના સાધનો પણ જપ્ત કરી લીધા છે. સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાનાં MLA ચૈતર વસાવા વચ્ચે આમ તો છત્રીસનો આંકડો છે. છતાં ચૈતર વસાવા આ મામલે મનસુખ વસાવાનાં સૂરમાં સૂર પુરવાતા હોય તેમ લાગ્યું.
ચૈતર વસાવાએ ચિમકી આપી કે, વન વિભાગના અધિકારીઓ ‘માઈ-બાપ’ હોય તેવું વર્તન કરે છે. જો તેમની આદિવાસી વિરોધી માનસિકતા નહીં બદલાય તો અમે તેમની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છીએ.