પોષ માસની કડકડતી ઠંડી (cold) શરૂ થઈ ગઈ હોય તેમ આજે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો (Winter) ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાન (temperature)નો પારો ગગડ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી અસહ્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદીઓ ઠંડીથી ઠુંઠવાયા છે. રવિવારે અમદાવાદમાં શિયાળાની સિઝનનું સૌથી નીચું 8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો થીજી ગયા. અગાઉ ગત 22 ડિસેમ્બરના રોજ 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આખો દિવસ પવનના સૂસવાટા સાથે ઠંડીની કાતિલતામાં વધારો અનુભવાયો હતો.
આજે એટલે કે સોમવારે અમદાવાદમાં 9 ડિગ્રી, ડીસામાં 8 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી, અમરેલીમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, જૂનાગઢમાં 10 ડિગ્રી, પાટણમાં 8 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દીવમાં 16 ડિગ્રી અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાએ સોમવાર અને મંગળવારે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં શીત લહેરની આગાહી કરી છે.
ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો જેવા કે કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં સુસવાટા મારતા ઠંડા પવન વહી રહ્યા છે. જોકે બે દિવસ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઉંચકાશે. જેથી ઠંડીમાં થોડી રાહત મળશે.
આ પણ વાંચોઃ Banaskantha: લગ્નના ઓર્ડર કેન્સલ થતાં મંડપ અને કેટરર્સના વેપારીઓ મુકાયા ચિંતામાં, જાણો શું છે કારણ