ચાર ચાર વખત રદ થયા બાદ અંતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (Gujarat Secondary Service Selection Board) બિનસચિવાલય ક્લાર્ક (Non-Secretariat Clerk) અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં અંદાજિત 10 લાખ 45 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા (Exam) આપશે. 32 જિલ્લાના 3243 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 200 માર્ક્સની આ પરીક્ષા સવારે 11 વાગ્યાથી માંડીને બપોરે 1 વાગ્યા સુધી એમ બે કલાક ચાલશે. સવા દસ વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ નહીં આપવામાં આવે. તો પરીક્ષા આપવા આવનારા દરેક ઉમેદવારો પોતાનું એક ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.
વર્ષ 2018માં 3900 બેઠકો માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી. પરંતુ પેપરલીક થવાના લીધે વર્ષ 2019માં આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વખત વહીવટી કારણોને લઈને પરીક્ષા મોકૂફ રખાઈ હતી. ત્યારે હવે ગઈ વખતે લેવાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને ગીરસોમનાથ જિલ્લામાં આ વખતે એકપણ પરીક્ષા કેન્દ્ર નથી ફાળવાયું. આ ઉપરાંત જ્યાં અગાઉ સામૂહિક ચોરીની ફરિયાદ મળતી હતી ત્યાંના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. તો ભાવનગર, મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો : Surat : 18થી 59 વર્ષના નાગરિકોમાં બુસ્ટર ડોઝની ટકાવારી માત્ર 0.6 ટકા, આળસ પડી શકે છે ભારે
આ પણ વાંચો : Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:23 am, Sun, 24 April 22