Vadodara: બે માસથી ધરાશાયી થયેલા વીજ પોલ હજુ ત્યાં ને ત્યાં જ, સિંચાઈ માટે વીજળી ન મળતા ખેડૂતોને પાક નષ્ટ જવાની દહેશત

|

Aug 09, 2022 | 4:09 PM

વડોદરાના (Vadodara) ડભોઈ તાલુકાના શંકરપુરા ગામના ખેતરોમાં ઠેક-ઠેકાણે વીજ પોલ ધરાશાયી થયા છે. વીજપોલ (Electricity pole) ધરાશાયી થતા ખેતરોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલા ખેતરોમાં મોટાભાગના વીજ થાંભલા ( Electricity pole) છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી ધરાશાયી થયેલા છે. જો કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તેને પૂર્વવત કરવાની કોઇ કામગીરી કરવામાં આવી નથી. એક તરફ સરકારે ખેડૂતોને (Farmers) વીજળી આપવા અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ તમામ યોજનાઓ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ ઉદભવી છે. ખેડૂતોના કૂવા ઉપર વીજ પ્રવાહ ખોટકાતા હાલ લાખો રૂપિયાનું બિયારણ નષ્ટ થવાને આરે છે.

ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ

વડોદરાના ડભોઈ તાલુકાના શંકરપુરા ગામના ખેતરોમાં ઠેક-ઠેકાણે વીજ પોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા ખેતરોમાં વીજપુરવઠો ખોરવાયો છે. છેલ્લા બે માસથી આ સમસ્યાનો સામનો કરતા ખેડૂતોએ અનેક વખત વીજ વિભાગને રજૂઆત કરી છે. ખેતરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં કુવામાંથી પાણી ખેંચીને પાકને સિંચાઈની કામગીરી પણ અટકી છે. આ વિસ્તારમાં આશરે 1500 વિઘામાં વાવેલા પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે. કપાસ, તુવેર સહિતના પાકના નષ્ટ થવાને આરે છે.

ખેડૂતોમાં ભારે રોષ

જુદા જુદા કૂવા પર વીજળીના અભાવને પગલે ખેડૂતો હાલ પાણી લઇ શકતા નથી, ત્યારે ગુજરાત સરકાર ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની ઉજવણી કરી ખેડૂતોને વિવિધ યોજના અપાઈ રહી હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના આ વલણને લઈ શંકરપુરા ગામના ખેડૂતો ભારે રોષે ભરાયા છે. વીજ પુરવઠો શરૂ કરવા અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વીજ વિભાગના વાહનો ખેતરો સુધી પહોંચી શકતા નથી. તેના લીધે કામગીરી અટકેલી છે. હવે જોવાનું રહ્યું કે વીજ તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે.

Next Video