મોરબીમાં ક્યુટોન સિરામિક ગૃપ પર વહેલી સવારથી IT વિભાગના દરોડા, મોટી રકમના બિનહિસાબી વ્યવહારો સામે આવવાની શક્યતા

|

Aug 14, 2022 | 7:49 PM

Morbi: અગ્રણી ટાઈલ્સ ગૃપ ક્યુટોન સિરામિકના વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ અમદાવાદ અને રાજકોટમાં ક્યુટોન ગૃપના વિવિધ સ્થળો પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી જેમા 350 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે.

અમદાવાદ અને રાજકોટ બાદ આવકવેરા વિભાગે હવે સિરામિક પ્રોડક્ટ્સના હબ ગણાતા મોરબી (Morbi)ના અગ્રણી ટાઈલ્સ ગૃપ ક્યુટોન સિરામિક(Qutone Ceramic)ના વિવિધ સ્થળો પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમા મોટી રકમના બેનામી વ્યવહારો સામે આવે તેવી આશંકા આવકવેરા વિભાગ (Income Tax Department) ના અધિકારીઓ સેવી રહ્યા છે. રાજ્યમાં ક્યુટોન ગૃપના કુલ 25 સ્થળો પર આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તપાસ દરમિયાન 350 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા હતા જેને લઈને આવકવેરા વિભાગે તપાસ વધુ સઘન બનાવી છે. છેલ્લા 3 થી4 દિવસ દરમિયાન કરાયેલા દરોડાની કામગીરી દરમિયાન 1 કરોડ રોકડ અને 2 કરોડના બિનહિસાબી દાગીનાઓ જપ્ત કરવામાં આવ્યા છે. જેમા 12 જેટલા લોકર પણ સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત આઈટી વિભાગે મોટી રકમના વ્યવહારો થયાના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ જપ્ત કર્યા છે.

છેલ્લા 6 મહિનાથી ક્યુટોન સિરામિક ગૃપ આઈટીની રડારમાં

આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે છેલ્લા એક સપ્તાહથી સિરામિક પ્રોડક્ટ્સના હબ ગણાતા મોરબીના અગ્રણી ટાઈલ્સ ગૃપ ક્યુટોન સિરામિક્સ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. ક્યુટોન સિરામિક ગૃપ છેલ્લ 6 મહિનાથી આઈટીની રડારમાં હતુ. ક્યુટોન સિરામિક પ્રાઈવેટ લિમીટેડના પ્રમોટર જગદિશ કુંવરજી દલસાણિયા, મનોજ કુમાર અગ્રવાલ, સુનિલ સીતારામ મંગ્નુલિયા અને રાજીવ અદાલખના રાજકોટના નિવાસસ્થાનો અને અમદાવાદ સ્થિત પાંચ સ્થળો સહિત કુલ 25 સ્થળે દરોડા કરવામાં આવ્યા હતા. હજુ પણ આ તપાસ શરુ છે અને હજુ પણ બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Video