દ્વારકામાં આહિરસમાજના મહારાસમાં સાંસદ પૂનમ માડમ પણ પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રમ્યા રાસ- જુઓ વીડિયો
દ્વારકામાં આહિર સમાજની બહેનોએ ઈતિહાસ રચ્યો છે. એકસાથે 37000 જેટલી આહિરાણીઓએ મહારાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મહારાસમાં જામનગરના સાંસદ પૂનમ માડમ પણ પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ રમ્યા હતા. આહિરાણીઓના મહારાસના અદ્દભૂત આકાશી દૃશ્યો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.
દ્વારકામાં આહિર સમાજની બહેનો દ્વારા આયોજિત મહારાસમાં વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આહિરાણીઓએ આયોજિત કરેલા મહારાસમાં એકસાથે 37000 મહિલાઓ રાસ રમી હતી. જેમા જામનગરના સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા. પૂનમ માડમે પણ તેમના સમાજના પરંપરાગત પોષાક અને આભૂષણો પરિધાન કરી મહારાસ રમ્યા હતા. આ મહારાસના આયોજન થકી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, તેમના પ્રત્યેનું સમર્પણ અને વિશ્વ શાંતિનો સંદેશ આપવાનો એકમાત્ર હેતુ હતો. ઉપરાંત આજની પેઢી પણ આપણી સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવે તે પણ ઉદ્દેશ્ય હતો.
દ્વારકામાં રૂક્ષમણી મંદિર પાછળ આવેલા વિશાળ મેદાનમાં આ મહારાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ભાગ લેવા માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ મહારાસના આયોજન થકી આહિરાણીઓએ 5000 વર્ષ જૂના ઇતિહાસને ફરી પુનર્જિવિત કરવાનું કામ કર્યુ છે. આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઉષા અહીં રાસ રમ્યા હતા. જો કે એવુ પણ કહેવાય છે હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ઢોલ વગાડ્યો હતો અને હજારો મહિલાઓ એ ઢોલના તાલે રાસ રમી હતી. એ ઢોલ વગાડતા વગાડતા કૃષ્ણ ત્યાંથી અદ્શ્ય થયા હતા અને ફરી ક્યારેય પરત ફર્યા ન હતા.
દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો