બનાસકાંઠા જિલ્લામાં નશામાં ધૂત વાહન ચાલકો લોકોને પરેશાન કરી રહ્યા છે. થોડાક સમય પહેલા એક કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. તો વળી પોલસ પણ આવા નશાખોર વાહનચાલકોને ઝડપીને જેલના હવાલે કરી રહી છે. આ દરમિયાન થરાદમાં એક રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા ચાલકના અકસ્માતને લઈ મુસાફરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે રિક્ષા ચાલક પિધેલી હાલતમાં એટલે કે નશો કરીને વાહન હંકારી રહ્યો હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.
રિક્ષા ચાલક નશો કરેલો હોવાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને રાહદારીઓના જીવ ટ્રાફિક ધરાવતા રસ્તા પર મુકવાને લઈ લોકોના ટોળાએ ઘર્ષણ સર્જી દીધુ હતુ. તો વળી મામલાની જાણ નજીકમાં રહેલા ટીઆરબી જવાનને થતા તેણે ટોળાનો માહોલ જોઈ સમય સૂચકતા વાપરી હતી. જવાને રિક્ષા ચાલકને તેની જ રિક્ષામાં મુસાફરની જેમ બેસાડી દીધો હતો. બાદમાં તેણે રિક્ષા સીધી જ પોલીસ સ્ટેશન હંકારી મુકી હતી. થરાદ પોલીસે રિક્ષા ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
Published On - 11:24 pm, Wed, 13 September 23