રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ,દીલ્હી ધ્વારા આઝાદીના ૭૫ વર્ષ અને તા.૮ થી ૧૪ નવેમ્બર સુધી લીગલ સર્વિસીસ વીકની ઉજવણીના ભાગરૂપે તા. ૦૨ ઓકટોબરથી સમગ્ર ભારતભરમાં ‘ પેન ઈન્ડીયા અવેરનેસ અને આઉટરીચ પ્રોગ્રામ ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી વિધાલય ખાતે નાલ્સાની ગરીબી નાબુદી યોજનાઓનું અસરકારક અમલીકરણ,યોજના અંતર્ગત યોજાયેલ મેગા લીગલ કેમ્પને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી એ. વાય. કોગજેએ ખુલ્લો મૂક્યો હતો. આ મેગા લીગલ સર્વિસ કેમ્પનો શહેરના ૩૦૦૦ જેટલા નાગરિકોએ લાભ લીધો હતો.
ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ એ. વાય.કોગજેએ મેગા લીગલ કેમ્પને સફળ બનાવવામાં જિલ્લા પ્રશાસનના સહયોગને બિરદાવતા જણાવ્યું કે લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી સામાન્ય માનવીને એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના હેઠળ જે બાળકો લાભ લઈ રહ્યા છે તેઓ જ્યારે ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે તેમને વોકેશનલ ટ્રેનીંગ અને ઉચ્ચ અભ્યાસ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જરૂરી મદદ કરવામાં આવશે.
વડોદરાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સતા મંડળના અધ્યક્ષ એમ.આર.મેંગદેએ જણાવ્યું કે જિલ્લા કાનુની સેવા સતા મંડળની કામગીરીથી લોકોને જાગૃત કરવા અને મફત અને સક્ષમ કાનુની સેવાની જાણકારી આપવા ગામે ગામે જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જિલ્લા કાનુની સેવા સતા મંડળ ,વડોદરાના સેક્રેટરી શ્રી વિશાલ જે. ગઢવીએ જણાવ્યું કે આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં રાજ્ય સરકારના વિવિધ ખાતા જેવા કે સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ , રોજગાર કચેરી , સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, પોસ્ટ વિભાગ, પરીવહન વિભાગ તેમજ વડોદરા મહાનગર પાલિકાના સહયોગથી વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે .જેમાં શહેરના નાગરીકો એક જ સ્થળ પરથી સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ પર આવીને આધારકાર્ડ , રેશનકાર્ડ , મા અમૃતમ કાર્ડ , જાતિના દાખલા , આવકના દાખલા , વિધવા સહાય યોજના , કોવીડ રસીકરણ વગેરે સાથે સાથે નિ : શુલ્ક કાનુની સેવાનો લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ન્યાયાલયના જજશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ, નાયબ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, નાયબ કલેકટર વી.પી.પટણી,મામલતદાર આર.બી.પરમાર, સરકારી વકીલ, સત્તા મંડળના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Surat: સરકારની લીલી ઝંડી મળતા ડુમસ દરિયાકિનારાને ડેવલપ કરવાની માત્ર વાતો નહિ, નક્કર કામગીરી કરાશે