Ahmedabad : મોતની હોસ્પિટલ ! બાપુનગરમાં આવેલી કામદાર રાજ્ય વીમાની હોસ્પિટલ અત્યંત જર્જરિત હાલતમાં, જુઓ Video
બાપુનગરમાં આવેલી કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું જર્જરિત થઇ ગયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેમ છે. સ્લેબ હોય કે દીવાલ હોય કે પછી છત બધી જગ્યાએથી પોપડા પડી રહ્યા છે.
Ahmedabad : અમદાવાદની હોસ્પિટલમાં (Hospital) આગની ઘટના બાદ સરકારે ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ શરૂ કર્યું છે. પરંતુ અનેક સરકારી હોસ્પિટલો એવી છે કે જ્યાં જનારા દર્દીઓ માથે મોત ઝળુંબી રહ્યું છે. ત્યારે બાપુનગરમાં આવેલી કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું જર્જરિત થઇ ગયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેમ છે. સ્લેબ હોય કે દીવાલ હોય કે પછી છત બધી જગ્યાએથી પોપડા પડી રહ્યા છે.
આ સરકારી હોસ્પિટલની છતની હાલત એવી છે કે તેને છત કહેવી કે કેમ તે પણ એક સવાલ છે. કેમકે છતમાંથી ચોતરફ એટલા સળિયા બહાર નીકળ્યા છે કે છત જેવું કંઇ બચ્યું જ નથી. ચોમાસામાં તો છતમાંથી ઠેકઠેકાણે સતત પાણી ટપકે છે. આ છત દર્દીઓ માથે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. જેના કારણે અહીં આવતા દર્દીઓ પણ ડરી રહ્યા છે.
હોસ્પિટલ આટલી જર્જરિત અવસ્થામાં હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા તેના સમારકામની કોઇ તસ્દી લેવામાં આવતી નથી. ત્યારે હોસ્પિટલને અન્ય જગ્યા પર ખસેડવાની લોકો માગ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ હોસ્પિટલના નવા બિલ્ડિંગ બનાવવામાં આવે છે. જેનો ઘણો ભાગ વણવપરાયેલો પડી રહે છે. જો તેમાં આ પ્રકારની જર્જરિત હોસ્પિટલોને ખસેડવામાં આવે તો તે મોતની હોસ્પિટલ સાબિત ન થાય.