Gujarati Video : દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે બુલ્ડોઝર ફર્યુ, અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ હટાવાયા

| Edited By: | Updated on: Mar 13, 2023 | 6:19 PM

દ્વારકા (Dwarka) તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે.

દેવભૂમિ દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે દબાણ હટાવો કાર્યવાહી યથાવત જોવા મળી. હર્ષદ બંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તંત્રએ અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતુ. જેમાં 186 રહેણાંક, 59 કોમર્શિયલ અને 4 ધાર્મિક સ્થળના દબાણ હટાવાયા હતા. રેન્જ IG, ડીવાયએસપી, મામલતદારની હાજરીમાં દબાણ હટાવોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3.95 કરોડ રૂપિયાની 8.80 લાખ ચોરસ ફૂટ જગ્યા તંત્રએ અત્યાર સુધીમાં ખાલી કરાવી છે.

પ્રથમ દિવસે બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન

દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે. આ વખતે દ્વારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવી હતી. હર્ષદ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

બીજા દિવસે હર્ષદ ગાંધવીમાં મેગા ડિમોલિશન

તો બીજા દિવસે હર્ષદ ગાંધવીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. હરસિધ્ધિ માતાજીના મંદિર નજીકના આસપાસના વિસ્તારમાં હજારો ફૂટ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ કરાયું હતુ. જેમાં સંબંધિત દબાણકારોને અગાઉ નોટિસો બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક સહિત 102 જેટલા દબાણો દૂર કરાયા હતા

800થી વધુ પોલીસકર્મીનો બંદોબસ્ત

મેગા ડિમોલિશન માટે મહેસુલ વિભાગની ટીમ સાથે સુરક્ષા જવાનોનો મોટો કાફલાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 1 એસ.પી. નિતેષકુમાર પાંડેય , 2 ડીવાયએસપી સમીર સારડા અને હાર્દિક પ્રજાપતિ, 20 પીઆઈ, 50 પીએસઆઈ, રેન્જ આઈજી વિસ્તારમાં વધુ ટુકડીઓ, એસ.આર.પી.ની ટીમ, મરીન કમાન્ડો હોમગાર્ડ, જીઆરડીના જવાનો, જીલ્લાની પોલિસ સહીત કુલ 800 જેટલા જવાનો બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે મોબાઈલ વાન, ડ્રોન કેમેરા તેમજ દરીયામાં બોટની મદદથી પેટ્રોલીંગ કરવામાં આવે છે. દબાણ દુર કરવા માટે 6 હિટાચી મશીન, 3 જેસીબી મશીન , લોડર સહીતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Bhavnagar: પાલીતાણામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયું ઇફકો સહકારી સંમેલન