Rajkot: જસદણ નગરપાલિકાની પાણીની ટાંકીમાં જોવા મળ્યા મૃત પક્ષીઓ, સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ડર

|

Sep 07, 2022 | 3:24 PM

રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણમાં વાજસુરપુરામાં રહેતા નગરજનો પર પાણીજન્ય રોગચાળાનો (Water borne disease) ખતરો તોળાઇ રહ્યો છે. કારણકે વાજસુરપુરાની જનતાને પાણી પહોંચાડતી ટાંકીમાં મોટી સંખ્યામાં મૃત પક્ષીઓ લટકી રહ્યા છે.

રાજકોટ (Rajkot) જિલ્લામાં જસદણ નગરપાલિકાની (Jasdan Municipality) ઘોર બેદરકારી સામે આવી છે. નગરજનોને પહોંચાડવામાં આવતી પીવાના પાણીની ટાંકીમાં મૃત પક્ષીઓ જોવા મળતાં ખળભળાટ મચ્યો છે. ગંદકીથી ખદબદતા આ ટાંકામાંથી વાજસુરપુરા વિસ્તારના 3 હજાર 500 લોકોને પીવાનું પાણી વિતરણ કરાય છે. પીવાના પાણીના ટાંકામાં જ મૃત પક્ષીઓ લટકતાં જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. કેટલાક પક્ષીઓના મૃતદેહ પાણીમાં તરતા જોવા મળ્યા છે. જ્યારે કેટલાક પક્ષીઓના મૃતદેહ (Dead bodies of birds) લટકતી હાલતમાં જોવા મળ્યા છે. જેને લઈ વાજસુરપરા વિસ્તારના લોકોના આરોગ્ય પર ખતરો તોળાયો છે.

રાજકોટ જિલ્લાના જસદણમાં વાજસુરપુરામાં રહેતા નગરજનો પર પાણીજન્ય રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. કારણકે વાજસુરપુરાની જનતાને પાણી પહોંચાડતી ટાંકીમાં મોટી સંખ્યામાં મૃત પક્ષીઓ લટકી રહ્યા છે. એટલુ જ નહીં કેટલાક મૃત પક્ષી પાણીમાં પડેલા છે. નગરજનોને આ જ પાણી પહોંચાડાતુ હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોનો આક્ષેપ છે કે, છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીના ટાંકાની સફાઈ નથી થઈ. અનેક રજૂઆતો છતાં સફાઈ કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાણીની ટાંકી જ્યાં છે તેની આસપાસના વિસ્તારમાં પગ મુકવો પણ ભારે પડી જાય તેટલી હદે દુર્ગંધ આવી રહી છે. સ્થાનિકોએ વાજસુરપરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે ટાંકીની યોગ્ય સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે તેવી માગ કરી છે.

Next Video