Gandhinagar: દહેગામ નગરપાલિકાની મિલકત જપ્ત થતી રહી ગઈ, કોન્ટ્રાક્ટરનાં બિલનાં પૈસા ન ચુકવતા કોર્ટે મિલકત જપ્તીનો હુકમ કર્યો

|

May 07, 2022 | 9:41 AM

કોર્ટે આપેલી એક માસની મુદત પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર (Contractor) તેમજ કોર્ટના માણસો મિલકત જપ્ત કરવા માટે નગરપાલિકા ગયા હતા. ત્યારે દહેગામ નગરપાલિકા (Dahegam Municipality) દ્વારા વધુ 10 દિવસની મુદત માગવામાં આવી હતી.

ગાંધીનગરની (Gandhinagar) દહેગામ નગરપાલિકાની (Dahegam Municipality) મિલકત થઇ શકે જપ્ત. જો 10 દિવસમાં કોન્ટ્રાક્ટરને (Contractor) બાકી બીલ નહીં ચૂકવવામાં આવે તો નગરપાલિકાની મિલકત જપ્ત કરાશે. દહેગામ નગરપાલિકાએ 1997માં કરાવેલી કામગીરીનું 1 લાખ 87 હજારનું બિલ ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરે કોર્ટનો આશરો લીધો હતો. જેને લઇ કોર્ટે નગરપાલિકાને બિલ ચૂકવવા આદેશ કર્યો હતો.

નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસની મુદત માગવામાં આવી હતી

જો પાલિકા દ્વારા એક મહિનાની અંદર બિલ ચુકવણી કરવામાં ન આવે તો પાલિકાની મિલકત જપ્તીનો હુકમ કર્યો હતો. કોર્ટે આપેલી એક માસની મુદત પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર તેમજ કોર્ટના માણસો મિલકત જપ્ત કરવા માટે નગરપાલિકા ગયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસની મુદત માગવામાં આવતા હાલ પુરતી મિલકત જપ્તીની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હોવાની કોન્ટ્રાક્ટરે માહિતી આપી છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું ?

કોર્ટના દહેગામ નગર પાલિકાની મિલકત જપ્તીના હુકમના અનુસંધાને નગર પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, 1997ની આ મેટર છે. ત્યારબાદ પાલિકાની અનેક બોડી બદલાઈ છે. કોન્ટ્રાકટરનું બાંધકામ અંગેનું બિલ બાકી છે તે અનુસંધાને કોર્ટે કરેલા આદેશ મુજબ મિલકત જપ્તી માટે આવેલા કોન્ટ્રાક્ટર અને કોર્ટના માણસો પાસે બિલ ચુકવણી અંગે વધુ એક માસની મુદત માગવામાં આવી હતી. તેમના દ્વારા એક માસની માન્ય રાખવામાં આવી છે. આગામી સમયમાં પાલિકાની બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

Next Video