Kutch: રાજ્ય પર આવેલા વાવાઝોડા બિપોરજોયના (Cyclone Biporjoy) સંકટને જોતા કાંઠા વિસ્તારના ગામોને તકેદારીના ભાગ રૂપે ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જેમા કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ગામલોકોનું સ્થળાંતર કરવામાં કેટલીક જગ્યાએ NDRFના અને SDRFના જવાનોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કચ્છના અબડાસામાં દરિયા કાંઠા નજીક આવેલા ગામોને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
નલિયા નજીક આવેલ છછી ગામના લોકોનું સ્થળાંતર કરાવવામાં તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામલોકો તેમના પશુઓને છોડીને જવા માટે તૈયાર ન હતા. 800 લોકોની વસ્તી ધરાવતા આ છછી ગામમાં 1200થી વધુ પશુઓની સંખ્યા છે. ત્યારે ગામલોકોને વાવાઝોડુ ત્રાટકે તો તેમના માલઢોરનું શું થશે તેની ચિંતા સતાવી રહી હતી. આથી તેઓ ગામ છોડી જવા તૈયાર ન હતા. જો કે બાદમાં તંત્રની ભારે સમજાવટ બાદ તેઓ ગામ છોડી જવા માટે તૈયાર થયા હતા.
આ પણ વાંચો: Cyclone Biparjoy ને લઈને શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન માટે ન આવવા સોમનાથ ટ્રસ્ટની અપીલ
ગામલોકોની સમજાવટ માટે તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની ટીમ છછી ગામ પહોંચી હતી અને તંત્રની સમજાવટ બાદ ગામલોકોના સ્થળાંતરનું કામ શરૂ કરાયુ હતુ. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અતિ વિનાશક વાવાઝોડા બિપોરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર જિલ્લામાં ભારે પવન ફુંકાશે અને તેની અસર હેઠળ લગભગ 8 જિલ્લાના 6 લાખ લોકો પ્રભાવિત થવાની શક્યતા છે.
Input Credit- Jay Dave- Abdasa, Kutch
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:03 pm, Wed, 14 June 23