સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”
સુરત શહેરમાં પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
SURAT : રાજ્યમાં તાજેતરમાં પોલીસ જવાનો દ્વારા ગ્રેડ-પે અંગે કરવામાં આવેલા આંદોલન અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી.સુરતમાં યોજાયેલા પોલીસ કાર્યક્રમને સંબોધતા સી.આર.પાટીલે કહ્યું, આંદોલન પાછળ કેટલાક અસામાજિક લોકોનો હાથ હોઈ શકે છે, જે પોલીસ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, તેવા કર્મચારીઓએ દિશા બદલવી જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓને કોઈપણ મુશ્કેલી હોય તો તેઓ મારી સાથે વાત કરી શકે છે.ઉપરાંત સી આર પાટીલે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખુશખબરી આપતા કહ્યું કે પોલીસ વિભાગમાં પ્રમોશન અંગે તેઓએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે વાત કરી છે.શક્યતા છે કે, આ મહિનાના અંત સુધીમાં IPS સહિત પોલીસકર્મીના પ્રમોશન થઈ થશે.
સુરત શહેરમાં પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાતમાં 26 હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું સાંસદએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો
આ પણ વાંચો : LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ