Gujarati Video: કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું કરાયુ છે નિર્માણ
Rajkot News: જો કે હવે રાજકોટના દૈનિક 3 લાખ લોકોને ટ્રાફિકથી રાહત મળશે. સાથે રાજ્યભરના વાહનચાલકો અને શહેરીજનોને પણ ટ્રાફિકને લઈ હવે મોટી રાહત થશે.
રાજકોટમાં કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થયુ છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં લોકોને ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે રાજકોટના દૈનિક 3 લાખ લોકોને ટ્રાફિકથી રાહત મળશે. સાથે રાજયભરના વાહનચાલકો અને શહેરીજનોને પણ ટ્રાફિકને લઈ હવે મોટી રાહત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ છે.
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા અને મેયર પ્રદીપ ડવ દ્વારા બ્રિજનું નીરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. જડુસ ચોકડીનો આ બ્રિજ કાલાવડ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર મેટોડા જવાનો મુખ્ય માર્ગ છે. અત્યાર સુધી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જો કે હવે અહીં ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.
શાળા કોલેજના વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
બ્રિજ તૈયાર થતા રાજકોટના રોજના 3 લાખ લોકો ટ્રાફિકથી મુક્ત થશે. ગોંડલ નેશનલ હાઈવેથી શહેરમાં આવ્યા વગર સીધું ભાવનગર હાઈવે જઈ શકાશે અને ત્યાંથી અમદાવાદ-ચોટીલા હાઈવે પર જવાશે. કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક પાસે રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયુ છે. બ્રિજની લંબાઈ 360 મીટર છે જ્યારે પહોળાઈ 9.25મીટર છે. બ્રિજના લોકાર્પણ બાદ હવે કાલાવડ રોડ પરનો ટ્રાફિક હળવો થશે. તેનાથી શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. સાથે જ મેટોડા GIDC તરફ જતા ઉદ્યોગકારો અને કર્મચારીઓ તેમજ કાલાવડ જતા લોકોને પણ તેનો લાભ મળશે.
ઉપરાંત કાલાવડ રોડ પર એ.જી. ચોક પાસે રૂપિયા 28.25 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ પણ ખુલ્લો મુકાશે. બે વર્ષના સમયગાળામાં આ બ્રિજ તૈયાર થયો છે. તેમજ રૈયામાં ઈલેક્ટ્રીક ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યુ છે.