Gujarati VIDEO : રાજુલામાં રખડતા ઢોરનો આતંક યથાવત, જાહેર રસ્તા પર આખલાનુ યુદ્ધ જામતા લોકોમાં ફફડાટ
શહેરના કૌશિકનગર વિસ્તારમાં બે આખલાઓનુ યુદ્ધ જામતા લોકોમાં ફફડાટ લેવાયો. એટલુ જ નહીં અડધો કલાક સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો.
અમરેલીના રાજુલામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો, જાહેર રસ્તા પર બે આખલાઓએ આતંક મચાવતા લોકોમાં નસાભાગ મચી ગઈ. શહેરના કૌશિકનગર વિસ્તારમાં બે આખલાઓનુ યુદ્ધ જામતા લોકોમાં ફફડાટ લેવાયો. એટલુ જ નહીં અડધો કલાક સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. ત્યારે રખડતા ઢોરની સમસ્યાને દુર કરવા લોકોએ તંત્રને રજૂઆત કરી છે. મહત્વનું છે કે જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો અડિંગો જામે છે જેને પગલે ધંધાર્થીઓ અને રાહદારીઓ સહિત બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે.
રસ્તાઓ પર યમદૂત બનીને ફરી રહ્યા છે રખડતા ઢોર
તો આ તરફ વડોદરામાં પણ રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરામાં રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કર્યો છે. શહેરના ભૂતડી ઝાંપા વિસ્તાર બાદ સ્વામી વિવેકાનંદ માર્ગ ઉપર ગાયના હુમલાની ઘટના બની છે. સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે રખડતા ઢોરને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
રખડતા ઢોરના હુમલાના અનેક બનાવો બન્યા છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે. ગઈકાલે શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા પર ગાયના ટોળોએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તો ફરી એક વાર સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. પીડિતોના પરિવારજનોએ તંત્ર રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.