Breaking News : વડોદરા મહાનગરપાલિકાએ નર્મદા નિગમ પાસેથી 7 દિવસમાં 88.62 લાખનું પાણી ખરીદ્યું, જુઓ Video
વરસાદના વિલંબે હવે વડોદરાના પાણી પુરવઠા પર સીધી અસર કરી છે. આજવા સરોવરની જળસપાટી છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચતા વડોદરા મહાનગર પાલિકાને નર્મદા નિગમ પાસેથી લાખો રૂપિયાનું પાણી ખરીદવાની ફરજ પડી છે. છેલ્લા એક સપ્તાહમાં પાલિકાએ રૂ. 88.62 લાખનું પાણી ખરીદી લીધું છે.
સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસું એક્ટિવ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં થયેલા વિલંબને કારણે વડોદરા શહેરના પાણી પુરવઠા સામે સંકટ ઊભું થયું છે. શહેરમાં નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 જૂનથી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાનું શરૂ કર્યું છે. નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં રૂ. 88.62 લાખનું પાણી ખરીદાતા આજવા સરોવરની ઘટેલી જળસપાટી 205.70 થી વધીને 206 ફૂટે થઇ છે. નર્મદા નિગમને પાસેથી પાલિકાએ સાત દિવસમાં 700 ક્યુસેક જેટલું પાણી લીધું છે અને તે પ્રક્રિયા સતત ચાલું છે.
શહેર નર્મદા નિગમ પર નિર્ભર
ગત્ત ચોમાસામાં આજવા સરોવરમાંથી લગભગ 6800 ક્યુસેક પ્રતિ સેકન્ડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું. તે સમયે 14 પંપસેટ ચલાવીને લાખો રૂપિયાનું વીજ બિલ પણ ચૂકવવામાં આવ્યું હતું. જોકે, આ વધારાના પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે કોઈ લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. પરિણામે ઉનાળાના અંતે આજવા સરોવરની જળસપાટી છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ વખત 205.70 ફૂટ સુધી પહોંચી ગઈ. પાણી ગ્રેવિટીથી લઈ શકાય તેવી સ્થિતિ ન રહેતાં હવે વડોદરા શહેરને પાણી માટે નર્મદા નિગમ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
વરસાદના એંધાણ હજુ સ્પષ્ટ ન હોવાથી આગામી દિવસોમાં પણ પાણી ખરીદવાની પ્રક્રિયા ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ ગયા વર્ષે હજારો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે એ જ શહેરને લાખો રૂપિયાનું પાણી ખરીદવું પડી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ પાણીના લાંબા ગાળાના આયોજન અને જળસંગ્રહની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે શહેરવાસીઓની નજર માત્ર વરસાદ પર ટકેલી છે, જેથી આજવા સરોવર ફરી ભરાય અને પાણી ખરીદવાની નોબતનો અંત આવે.