Breaking News: મોઢેરા સૂર્યમંદિરે કલા–સંસ્કૃતિનો દિવ્ય ઉત્સવ, ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મહોત્સવના પ્રથમ દિવસે દેશભરના ખ્યાતનામ કલાકારો રમીન્દર ખુરાના, મીનાક્ષી શ્રીયન અને માયા કુલશ્રેષ્ઠાએ અનુક્રમે ઓડીસી, ભરતનાટ્યમ અને કથ્થક નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વૈશ્વિક ફલક પર પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવતા મહેસાણા જિલ્લાના ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે 17 જાન્યુઆરીની સાંજથી કલા અને સંસ્કૃતિના પર્વ સમાન ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ થયો. બે દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી કર્યું હતું.
કલાકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
હજારો વર્ષ જૂના સૂર્યમંદિરના દિવ્ય સાનિધ્યમાં જ્યારે શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના સુરો રેલાયા ત્યારે સમગ્ર વાતાવરણ અલૌકિક અને આધ્યાત્મિક બની ઉઠ્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે દેશભરના ખ્યાતનામ કલાકારો રમીન્દર ખુરાના, મીનાક્ષી શ્રીયન અને માયા કુલશ્રેષ્ઠાએ અનુક્રમે ઓડીસી, ભરતનાટ્યમ અને કથ્થક નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની ભાવસભર અભિવ્યક્તિ અને તાલબદ્ધ નૃત્યાવલીએ ભારતીય શાસ્ત્રીય કલાની સમૃદ્ધ પરંપરાનો ભવ્ય પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં કલારસિકો હાજર રહ્યા હતા. ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ મોઢેરા સૂર્યમંદિરને ફરી એકવાર કલા, સંસ્કૃતિ અને પરંપરાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉજાગર કરતો જોવા મળ્યો હતો.