Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ, સોનાની લગડી માલિકને પરત કરી, જુઓ Video

સુરતમાં એક હીરા દલાલે અનોખી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિધરપુરા હીરા માર્કેટમાંથી તેમને મળેલી 10 ગ્રામ સોનાની લગડી મૂળ માલિક ચેતન અદાણીને શોધીને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં પરત કરી. દલાલનું સન્માન પણ કરવામાં આવ્યું.

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ, સોનાની લગડી માલિકને પરત કરી, જુઓ Video
Breaking News surat diamond trader returns the lost 10 gm gold brick to owner
| Updated on: Jan 13, 2026 | 12:08 PM

Surat: ઈમાનદારીનું  ઉદાહરણ પૂરું પાડતા, સુરતના એક હીરા દલાલે 10 ગ્રામની સોનાની લગડી તેના મૂળ માલિકને પરત કરી છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં પ્રામાણિકતા અને માનવીય મૂલ્યોનો સંદેશ આપ્યો છે, જ્યાં આજના સમયમાં આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.

આ કિસ્સો સુરતના મહિધરપુરા હીરા માર્કેટનો છે. હીરા બજારમાં એક વ્યક્તિની 10 ગ્રામ વજનની સોનાની લગડી ખોવાઈ ગઈ હતી. આ સોનાની લગડી ડાયમંડ બ્રોકર ડાહ્યાભાઇ વાઘાણીને મળી હતી. સોનાના વધતા ભાવ અને તેની ઉચ્ચ કિંમતને ધ્યાનમાં રાખીને દાયાભાઈએ નિર્ણય કર્યો કે આ અમૂલ્ય વસ્તુ તેના મૂળ માલિકને પરત કરવી અત્યંત જરૂરી છે.

આ નિર્ણય પછી  ડાહ્યાભાઇ વાઘાણીએ તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કર્યો. એસોસિએશનના સહયોગથી તેમણે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો. 20 જેટલા પોસ્ટરો છપાવવામાં આવ્યા અને હીરા બજારના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા. આ પોસ્ટરોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે “જેની વસ્તુ ખોવાઈ હોય તે સંપર્ક કરે.” આ જાહેરાતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો. ખોવાયેલી સોનાની લગડીના સાચા માલિકને શોધવો.

પોસ્ટરો લગાવ્યા બાદ અનેક લોકોએ સંપર્ક કર્યો, જેમાં કેટલાક લેભાગુ તત્વો પણ હતા. જે ખોટી રીતે દાવો કરવા માંગતા હતા. જોકે ડાહ્યાભાઇ વાઘાણીએ અને ડાયમંડ એસોસિએશનની સતર્કતાને કારણે સાચા માલિકની ઓળખ થઈ શકી. અંતે મૂળ માલિક ચેતન અદાણીનો સંપર્ક થયો. ચેતન અદાણીએ પોતાની ખોવાયેલી સોનાની લગડીની વિગતો આપી અને તેની માલિકી સાબિત કરી.

ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડાહ્યાભાઇ વાઘાણીએ 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની સોનાની લગડી સન્માનપૂર્વક મૂળ માલિક ચેતન અદાણીને પરત કરી. આ પ્રસંગે ડાયમંડ એસોસિએશન દ્વારા ડાહ્યાભાઇ વાઘાણીની આ ઈમાનદારીને બિરદાવવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું. તેમને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા.

આજના યુગમાં જ્યાં છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યાં ડાહ્યાભાઇ વાઘાણીનો આ કિસ્સો ચોંકાવનારો અને અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે માત્ર એક સોનાની લગડી પરત કરી નથી, પરંતુ સમાજમાં ઈમાનદારી અને નીતિમત્તાનો એક મજબૂત સંદેશ પણ આપ્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે સુરતમાં હજુ પણ પ્રામાણિકતા જીવંત છે અને આવા નેક કાર્યો સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Input credit : Baldev Suthar

Published On - 11:55 am, Tue, 13 January 26