Mehsana Breaking News : ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા, રૂ. 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત

| Updated on: Jul 13, 2026 | 1:52 PM

SOGની ટીમે દરોડા દરમિયાન અંદાજે રૂ. 6.76 લાખની કિંમતનું અખાદ્ય જીરું, પાવડર તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ સાથે જ નકલી જીરું બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં SOGએ ઊંઝા તાલુકાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગામના સીમ વિસ્તારમાં આવેલી રીયા ઇન્ડસ્ટ્રીઝમાંથી અખાદ્ય જીરું અને તેને બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી.

નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડા

SOGની ટીમે દરોડા દરમિયાન અંદાજે રૂ. 6.76 લાખની કિંમતનું અખાદ્ય જીરું, પાવડર તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ સાથે જ નકલી જીરું બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

બનાવટી જીરું બજારમાં વેચાતુ હતુ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને બનાવટી જીરું તૈયાર કરી તેને પ્રોસેસ કરીને બજારમાં વેચતો હતો. મહેસાણા SOGએ આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે.

દરોડા દરમિયાન 74 થેલી અખાદ્ય જીરું, વિવિધ પ્રકારનો પાવડર અને ઇલેક્ટ્રિક મિક્સર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

નકલી જીરૂં લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું

આ ઉપરાંત, SOG દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓને વધુ તપાસ માટે ફૂડ સેફ્ટી વિભાગની લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી આ નકલી જીરું ક્યાં-ક્યાં સપ્લાય કરતો હતો, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકનું મોત, આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us