અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આજે મોટી દુર્ઘટના ટળી હતી. જમ્બલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક આધેડ મુસાફરનો પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેનમાં સંતુલન ગુમાવી બેઠા હતા. પરિણામે મુસાફર કોચની સીડી પાસે લટકી ગયા હતા.
મુસાફર ટ્રેન સાથે લટકી રહ્યા હોવાની સ્થિતિ જોતા આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી હતી. જોકે, સમયસૂચકતા અને હિંમત દાખવી એક ટેકનિશિયને મુસાફરનો જીવ બચાવી લીધો હતો.
ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મહેશ પરમારે જોખમની પરવા કર્યા વિના તરત જ મુસાફરને પકડી લીધો હતો. તેમની સતર્કતા અને બહાદુરીના કારણે આધેડ મુસાફર ટ્રેનની નીચે પટકાતા બચી ગયા હતા. ઘટનાને પગલે પ્લેટફોર્મ પર હાજર લોકોમાં રાહત જોવા મળી હતી.
ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવો કેટલો જોખમી બની શકે છે તેનું આ ઘટના વધુ એક ઉદાહરણ છે. થોડી ક્ષણોની ઉતાવળ મુસાફરના જીવ માટે જોખમી બની શકે છે. રેલવે તંત્ર દ્વારા પણ મુસાફરોને ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવા નહીં અને ટ્રેન સંપૂર્ણપણે ઊભી રહે ત્યાર બાદ જ કોચમાં પ્રવેશવા અપીલ કરવામાં આવે છે. મહેશ પરમારની સમયસૂચકતા અને હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.