Breaking News : ગલગોટાના ફૂલોની ખેતીએ ખેડૂતોની દિવાળી બગાડી, જુઓ વીડિયો

| Updated on: Nov 12, 2026 | 12:57 PM

દિવાળીના તહેવારમાં જે ગલગોટાના ફૂલોની સૌથી વધુ માંગ રહેતી હોય છે, એ જ ગલગોટાના ફૂલોની ખેતી આ વખતે ખેડૂતોની દિવાળી બગાડી છે. એક સમયે આ જ ખેડૂતોને લાખો રૂપિયાની આવક આપતી હતી.પરંતુ આ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન અને બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું અરાદ ગામ એક એવું ગામ જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોએ પરંપરાગત ખેતીને બદલે ગલગોટાના ફૂલની ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતો માટે ગલગોટાની ખેતી એક સમયે લાખોની કમાણીનું માધ્યમ બની હતી.અહીંના કેટલાક ખેડૂતો એક જ સિઝનમાં અંદાજે લાખો રૂપિયા સુધીની આવક મેળવી ચૂક્યા છે.ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન ગલગોટાના ફૂલોની માંગ વધતી હોવાથી ખેડૂતોને સારા ભાવ મળતા હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ સાવ અલગ છે.

ખેડૂતોની દિવાળી બગાડી

આ વર્ષે ચોમાસા બાદ બનેલા અનુકૂળ વાતાવરણના કારણે ગલગોટાના પાકમાં પુષ્કળ ઉત્પાદન થયું છે.દર વર્ષની સરખામણીએ આ વખતે ફૂલોનું ઉત્પાદન ખૂબ વધારે થયું છે.પરંતુ જે વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીનું કારણ બનવું જોઈતું હતું, તે જ હવે તેમની મુશ્કેલીનું કારણ બન્યું છે.

બજારમાં ફૂલોનો જથ્થો વધી જતાં ભાવમાં ભારે ઘટાડો થયો છે.અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વેપારીઓ સીધા અરાદ ગામે આવતા હતા અને ખેડૂતોના ખેતરેથી જ ગલગોટાના ફૂલોની ગાડીઓ ભરીને લઈ જતા હતા.પરંતુ આ વર્ષે ખેડૂતોને જાતે જ ફૂલોની ગાડીઓ ભરીને બજારમાં જવું પડે છે.તેમ છતાં યોગ્ય ભાવ ન મળતાં કેટલાક ખેડૂતો ફૂલો વેચ્યા વગર જ ગાડી લઈને પરત ફરવા મજબૂર બન્યા છે.

ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા

સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે ગલગોટાના ફૂલોનો ભાવ અગાઉ પ્રતિ કિલો 80થી 100 રૂપિયા સુધી મળતો હતો, તેના આજે માત્ર 5થી 10 રૂપિયા મળી રહ્યા છે.ઉત્પાદન ખર્ચ, મજૂરી, ફૂલોની તોડણી અને પરિવહનનો ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘે અંદાજે 50થી 70 હજાર રૂપિયા સુધીનું નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે ખેતરમાં તૈયાર થયેલા ફૂલોનું વેચાણ ન થતાં ખેડૂતો હવે ફૂલોને ખેતરની બાજુમાં અને આસપાસની ખુલ્લી જગ્યાઓમાં ફેંકી દેવા મજબૂર બન્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે અરાદ ગામ અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગલગોટાનું ઉત્પાદન થાય છે.ત્યારે અહીં ફૂલોની ખરીદી અને વેચાણ માટે કોઈ વ્યવસ્થિત માર્કેટ ઉપલબ્ધ નથી.જો સરકાર દ્વારા આ વિસ્તારમાં ફૂલોના વેચાણ માટે APMC માર્કેટની સુવિધા ઊભી કરવામાં આવે, તો ખેડૂતોને એક જ સ્થળે ખરીદદારો મળી શકે અને ફૂલોના ભાવનું યોગ્ય નિર્ધારણ પણ થઈ શકે.આ ઉપરાંત આ વર્ષે ગલગોટાની ખેતીમાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય અથવા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે.

Breaking News : ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ, જંગલના રાજાને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે પ્રવાસીઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.