Breaking News: મામેરામાં દેખાઈ માનવતાની મહેક, હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે નિભાવી ભાઈની ફરજ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 21, 2026 | 2:49 PM

હિન્દુ-મુસ્લિમ એકતાના ઉદાહરણો આજના સમયમાં સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે. મહેસાણા જિલ્લાના નાગલપુર ગામમાં આવી જ એક અનોખી અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જ્યાં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ બહેનના ઘરે મામેરું ભરીને ભાઈની ફરજ નિભાવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કોમી એકતાના સુંદર દર્શન કરાવ્યા છે.

ધર્મથી ઉપર સંબંધ હોવાનું એક એનોખુ ઉદાહરણ સામે આવ્યુ છે. વડોસણ ગામના સુરતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન સુલતાનાબીબીના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે એક લાખ એક હજાર રૂપિયાનું મામેરું કર્યું હતું. લગ્ન પ્રસંગે હિન્દુ મામા વાજતે-ગાજતે મામેરું લઈને પહોંચ્યા હતા. આ પ્રસંગે ઘરના આંગણે મામેરું લઈને આવેલા ભાઈને સુલતાનાબીબીએ પરંપરાગત રીતે કંકુ-ચોખાથી વધાવ્યા હતા. આ દૃશ્ય જોનાર દરેક વ્યક્તિ ભાવવિભોર બની ગઈ હતી.

એક સામાજિક ઉદાહરણ નહીં પરંતુ માનવતાની સાચી ઓળખ

સુલતાનાબીબીનું કહેવું છે કે તેમના માટે ધર્મ કે જાતિ કરતાં સંબંધ વધારે મહત્વનો છે. તેમણે જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ તેઓ ક્યારેય માનતા નથી અને દિલથી બંધાયેલા સંબંધો જ જીવનમાં સૌથી મહત્વના હોય છે. ભાઈ-બહેનનો આ સંબંધ માત્ર એક સામાજિક ઉદાહરણ નહીં પરંતુ માનવતાની સાચી ઓળખ બની ગયો છે.

છેલ્લા 25 વર્ષથી આવો જ અતૂટ સંબંધ

હિન્દુ ભાઈ સુરતાનજી ઠાકોર અને મુસ્લિમ બહેન સુલતાનાબીબી વચ્ચે છેલ્લા 25 વર્ષથી આવો જ અતૂટ સંબંધ છે. સુરતાનજી ઠાકોરે જણાવ્યું કે તેઓ બંને દેદિયાસણ GIDCમાં સાથે કામ કરતાં હતા, તે સમય દરમિયાન ભાઈ-બહેનનો આ નાતો બંધાયો હતો. સમય પસાર થતો ગયો, પરંતુ સંબંધની મીઠાસ આજે પણ યથાવત છે.

આ ઘટના એ સાબિત કરે છે કે ધર્મના સીમાડા માનવતાથી નાના છે. જ્યારે સમાજમાં વિભાજનની વાતો થાય છે, ત્યારે મહેસાણાની આ ઘટના સૌને એકતાનો સંદેશ આપે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.