Breaking News : અરવલ્લી મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! જુઓ Video
અરવલ્લીના મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી સર્જાતાં ₹1,000 ઉપાડવા જતાં ₹5,000 અને ₹2,000 ઉપાડવા જતાં ₹10,000 નીકળ્યા હતા. બેંકને જાણ થતાં ATM બંધ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રાહકોના ખાતામાંથી કપાયેલી રકમ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ATMમાં ટેકનિકલ ખામી સર્જાતાં ગ્રાહકો આશ્ચર્યમાં મુકાયા હતા. ATMમાંથી પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકોને તેઓએ ઉપાડવા માટે દાખલ કરેલી રકમ કરતાં અનેક ગણા વધુ રૂપિયા મળ્યા હતા. આ ઘટનાને પગલે બેંક તંત્રમાં પણ દોડધામ મચી હતી. સૂત્રો અનુસાર, ATMમાંથી ₹1,000 ઉપાડવાનો પ્રયાસ કરતાં ગ્રાહકને ₹5,000 મળ્યા હતા. જ્યારે ₹2,000 ઉપાડવા જતાં ATMમાંથી ₹10,000 નીકળ્યા હતા. આ રીતે ATMમાંથી વધુ રોકડ નીકળતાં ત્યાં હાજર ગ્રાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
ATMમાંથી વધારાની રોકડ કેવી રીતે નીકળી?
કેટલાક લોકો ઇમરજન્સીમાં પૈસા ઉપાડવા માટે ATM પર આવ્યા હતા. જોકે, ટેકનિકલ ખામીને કારણે તેમને ઉપાડવા માટે દાખલ કરેલી રકમ કરતાં વધુ નાણાં મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ બેંકને થતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં હતાં.
વધુ રકમ ઉપાડવાની ઘટનાઓ અટકાવવા માટે ATMનું શટર બંધ કરવાની ફરજ પડી હતી. હવે ગ્રાહકોના ખાતામાંથી વાસ્તવમાં કેટલી રકમ કપાઈ છે અને ATMમાંથી વધારાની રોકડ કેવી રીતે નીકળી, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની વિગતો સ્પષ્ટ થશે.
