Breaking News : અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, મીઠાખળી પાસે AMTS બસ પાણીમાં ગરકાવ, જુઓ Video
શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મીઠાખંળીના અંડરપાસમાં AMTS બસ પાણીમાં ગરકાવ થઈ હતી.
અમદાવાદમાં વરસાદનું અલર્ટ
ભારે વરસાદના પગલે શહેરમાં અત્યાર સુધીમાં 10 વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે બે સ્થળોએ દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. ઉપરાંત, સાત સ્થળોએ ઇલેક્ટ્રિક થાંભલામાં શોર્ટ સર્કિટની ઘટના સામે આવતા વીજ વિભાગ પણ એલર્ટ મોડ પર આવ્યું છે.
પાણીમાં ગરકાવ થઈ AMTS બસ
વરસાદી પાણી ભરાઈ જતાં શહેરના કુલ 9 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. અંડરપાસમાં ભરાયેલા પાણીમાં AMTSની એક બસ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક પર વ્યાપક અસર જોવા મળી હતી.
અખબારનગર અંડર પર વાહન વ્યવહાર બંધ
આ ઉપરાંત અખબારનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. એસ.જી. હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. બોપલ, જોધપુર અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને ખારીકટ કેનાલ અને બંધન ટ્રાયંગલ વિસ્તારમાં પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો અને અંડરપાસમાં જવાનું ટાળવા તેમજ ટ્રાફિક વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.