Botad Hooch Tragedy: બરવાળા ઝેરી દારૂકાંડના આરોપી જયેશ ઉર્ફે રાજુએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, પોતે મિથેનોલ લઈ ગયો હોવાની કરી કબૂલાત

|

Aug 01, 2022 | 8:47 PM

Botad Hooch Tragedy: બોટાદના બરવાળા ઝેરી દારૂકાંડના આરોપી જયેશ ઉર્ફે રાજુએ કોર્ટ સમક્ષ ગુનો કબૂલ કર્યો છે. જયેશે પોતે મિથેનલો કેમિકલ લઈ ગયો હોવાની કબૂલાત કરી છે. જયેશની આ કબૂલાત બાદ હવે ફરાર આરોપીઓની મુશ્કેલી વધશે.

બોટાદ (Botad)ના બરવાળાના રોજિદ ગામે થયેલા ઝેરી દારૂકાંડ(Hooch Tragedy)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી જયેશ ઉર્ફે રાજુએ કોર્ટ સમક્ષ કબુલી લીધુ છે કે તે પોતે મિથેનોલ લઈ ગયો હતો. આરોપી જયેશ ઉર્ફે રાજુએ ગુનાની કબુલાત કરતા હવે અન્ય ફરાર આરોપીઓની મુશ્કેલી વધશે. આ ઝેરી દારૂકાંડમાં પકડાયેલા તમામ 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. જેમાં એક આરોપી ભાવનગરની સિવિલમાં હોસ્પિટલ (Civil Hospital)માં સારવાર હેઠળ છે. તેને પણ સ્વસ્થ થયા બાદ ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવશે

અમદાવાદ નજીક આવેલી AMOS કંપનીમાંથી આવ્યુ હતુ કેમિકલ

આપને જણાવી દઈએ અમદાવાદના નજીક આવેલી પીપળજની AMOS કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ. ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમા મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ છે. ઝેરી દારૂકાંડમાં અમદાવાદ નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો અને કંપનીમાં આવતા કેમિકલના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી.

ઝેરી દારૂકાંડમાં 43 લોકોએ ગુમાવ્યા જીવ

ઉલ્લેખનીય છે કે ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા જે પૈકીના કેટલાકની હજુ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.

Next Video