Botad: રાણપુરમાં આખરે ગંદકીના ઢગ દૂર થયા, પંચાયતે આઉટ સોર્સના કર્મચારીઓ પાસે કરાવી સફાઈ

|

Aug 07, 2022 | 8:28 AM

BOTAD: રાણપુરમાં છેલ્લા એક મહિનાથી પંચાયતના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાણપુરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયા છે, જેમાં વારંવારની ફરિયાદ બાદ આખરે પંચાયતે આઉટ સોર્સના કર્મચારીઓ પાસે સફાઈ કરાવતા ગંદકીના ઢગ દૂર થયા છે.

બોટાદ (Botad)ના રાણપુરમાં છેલ્લા એક મહિનાથી પંચાયતના સ્થાનિક સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ઠેકઠેકાણે ગંદકીના ગંજ ખડકાયા છે. સ્થાનિકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે પંચાયતમાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આખરે રાણપુર(Ranpur) પંચાયતે આઉટ સોર્સના કર્મચારીઓ પાસે સફાઈ કરાવતા ગંદકીના ઢગ દૂર થયા છે. પંચાયતે આઉટ સોર્સ (Out Source)ના કર્મચારીઓ પાસેથી સફાઈ કરાવતા સ્થાનિક કર્મચારીઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કર્મચારીઓએ આઉટ સોર્સના કર્મચારીઓને સફાઈ કરતા અટકાવ્યા હતા અને તેમની સાથે બોલાચાલી પણ કરી હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે આઉટ સોર્સના કર્મચારીઓએ કરી સફાઈ

રાણપુર પંચાયતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઉટ સોર્સના કર્મચારીઓ પાસે સફાઈ કરાવડાવી હતી. આપને જણાવી દઈએ કે ગુરુવારે રાણપુર શહેર સફાઈના પ્રશ્ને સજ્જડ બંધ રહ્યુ હતુ. વેપારી એસોસિએશને આપેલા બંધને સંપૂર્ણ સમર્થન મળ્યુ હતુ. જેમાં રાણપુરની બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી. રામપુર ગ્રામપંચાયતમાં સાફ સફાઈના 50 જેટલા રોજમદારો તેમની વિવિધ પડતર માગો સાથે છેલ્લા 30 દિવસથી હડતાળ કરી રહ્યા છે.

ગામના સરપંચનું કહેવુ છે કે કાયમી સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા તેમણે આઉટ સોર્સિંગથી કર્મચારીઓ બોલાવ્યા હતા, પરંતુ કાયમી સફાઈકર્મીઓએ હુમલો કરી કામ અટકાવી દીધુ હતુ. સરપંચે તેનો રોષ ઠાલવ્યો હતો કે સ્થાનિક સફાઈ કર્મચારીઓ ખુદ તો કામ નથી કરતા, પરંતુ બીજા આઉટસોર્સના કર્મચારીઓને પણ કામ કરવા દેતા નથી. જેથી આ બાબતે પોલીસને ફરિયાદ કરાઈ હતી, જેના પગલે શનિવારે ફરી આઉટ સોર્સના કર્મચારીઓ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરાવવામાં આવી હતી.

Published On - 10:23 pm, Sat, 6 August 22

Next Video