Arvalli : ભિલોડાના ભુતાવડ ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવકના પરિવારને સજા,ગામની બહાર રહેવા કર્યા મજબૂર
યુવકના પરિવારજનોને વીજળી, પાણી અને દૂધ સહિતની જીવનજરૂરી વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મુકાતા પરિવારની હાલત કફોડી થઇ છે.
અરવલ્લીના ભિલોડાના ભુતાવડ ગામે યુવક-યુવતીએ રાજીખુશીથી અને પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા. પરંતુ આ પ્રેમલગ્નની સજા હવે નાયી સમાજના યુવકના પરિવારને મળી રહી છે. યુવતીના પરિવારજનો તેમજ સમાજના અન્ય લોકોએ યુવકના પરિવારનો બહિષ્કાર કરી તેમને ગામ છોડવા માટે મજબૂર કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવકના પરિવારજનોને વીજળી, પાણી અને દૂધ સહિતની જીવનજરૂરી વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મુકાતા પરિવારની હાલત કફોડી થઇ છે. આ મામલા નાયી સમાજે હવે તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. નાયી સમાજના લોકોએ એકત્રિત થઇને કલેક્ટરને રજૂઆત કરી. જેમાં તેમણે યુવકના પરિવારજનોને રક્ષણ સાથે ગામમાં ફરી વસાવવામાં આવે તેવી માગ કરી છે.
નાયી સમાજના લોકોની કલેક્ટર સમક્ષ રજૂઆત
યુવકના પરિવારને ગામ છોડી જવાનું ફરમાન કરાયા બાદ હવે ગામમાં વસવાટ કરતા નાયી સમાજના અન્ય પરિવારોમાં પણ ચિંતા પ્રસરી છે. નાયી સમાજના પરિવારોને પણ ધાકધમકી આપી, ઘર ખાલી કરવા તેમજ દૂધ-પાણી પર પ્રતિબંધ મુકી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે… મહત્વનું છે કે નાયી સમાજના યુવક અને પટેલ સમાજની યુવતીએ પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોમાં લગ્નને લઇને ભારે નારાજગી જોવા મળી રહી છે. યુવક અને યુવતી પ્રેમલગ્ન કર્યા બાદ અમદાવાદમાં પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુવતીના પરિવારે આ લગ્ન વિચ્છેદ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ યુવતીએ યુવક સાથે જ રહેવાનો મક્કમપણે નિર્ધાર વ્યક્ત કરતા હવે યુવતીના પરિવારજનો નાયી સમાજના બહિષ્કારની ધમકી આપતા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
