ભાવનગર મનપા ઢોર પકડવા અને તેના નિભાવ માટે વર્ષે ₹ 8 કરોડનો ખર્ચ કરે છે. છતાં, સમસ્યા ઠેરની ઠેર છે. શહેરના સુભાષનગર, ભરતનગર, ચિત્રા, કાળીયાબીડ, ક્રેસન્ટ, અને ઘોઘા વિસ્તારમાં ઢોરનો ત્રાસ છે. એ સહિત જકાતનાકા, શિશુવિહાર, આનંદનગર, સરદારનગર અને તળાજામાં ઢોરનો ત્રાસ છે. ચોમાસાની ઋતુમાં ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાય છે. આટલુ ઓછુ હોય તેમ હાલ જ્યા જુઓ ત્યા રસ્તા પર વરસાદી પાણી ભરેલા ખાડાઓનુ સામ્રાજ્ય છે. ત્યારે એક તરફ ઢોર અને બીજી તરફ ખાડાની સમસ્યાથી અકસ્માતોની ઘટના વધી છે. આ સ્થિતિમાં લોકો ઢોરના ત્રાસથી મુક્તિની માગ કરી રહ્યા છે. છતાં હજી સુધી નક્કર કાર્યવાહી થતી નથી. ત્યારે, કોંગ્રેસ પક્ષે પણ તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા છે.
અહીં સવાલ એ છે કે આ ઢોર કોના છે? કેમ આ ઢોર વારંવાર રસ્તા પર આવી જાય છે. શું પશુપાલકો ઢોરને રોડ પર મુકી જાય છે કે તંત્રની ઢીલી નીતિના કારણે રસ્તા પર ઢોરને આવવા દેવાય છે. આ અંગે મનપાનું કહેવું છે કે, 6 માસમાં 1024 ઢોર પકડ્યા છે. નિભાવ ખર્ચ કરીએ છીએ. ત્યારે સવાલ છે કે આ સમસ્યા નિવારવામાં મુશ્કેલી ક્યાં પડી રહી છે? હાલ, મેયરે તો કહ્યું છે કે, ટીમ કામગીરી કરી રહી છે અને એજન્સીને કામ સોંપાશે. ત્યારે જોવાનું રહ્યું કે સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે?
મેયર ભરત બારડના જણાવ્યા અનુસાર ઢોર પકડવાની એજન્સીના ટેન્ડર પણ બહાર પાડ્યા છે. જ્યારે ઢોર પકડવા માટે એજન્સીના માણસો ન આવે તો મનપાના કાર્યકર્યો પણ ઢોરોને પકડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ ચોમાસાની ઋતુમાં ઢોર જાતે બહાર નીકળી જતા હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે.