ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ- વીડિયો

|

Nov 21, 2023 | 10:11 PM

ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. લૂંટ કરનારા 4 શખ્સોને પોલીસે ભાવનગરથી દબોચી લીધા છે. આરોપીઓના લૂંટના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. આ ટોળકીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. અગાઉ પણ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

ભાવનગરના તળાજામાં ભરબજારે થયેલી 7.5 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટ ચલાવનાર ગેંગના 4 સભ્યોને પોલીસે ભાવનગરથી ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટના જોઇએ તો તળાજામાં પહલ ફાયનાન્સ બ્રાન્ચમાં નોકરી કરતા હેતલબેન ભાલીયા બેંકમાં કલેક્શન જમા કરાવવા જઈ રહ્યા હતા, આ દરમિયાન લૂંટારૂઓએ તેમનું રૂપિયા ભરેલું પર્સ ઝૂંટવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ચલાવેલી લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક, પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ- વીડિયો

ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી ચારેય આરોપીઓ નિલેશ મેર, કલ્પેશ દેવમુરારી, જગદીશ વ્યાસ અને મનિષ બામણીયાને દબોચી લીધા. આ લૂંટના ગુનામાં પોલીસે 5 લાખથી વધુની રોકડ સહિત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ લાઇટર પિસ્તોલ, છરો તેમજ અન્ય મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફાયનાન્સ કંપનીના કર્મચારીએ જ આરોપીઓને ટીપ્સ આપી હતી. આ ટોળકી અગાઉ આંગડીયા પેઢીને ટાર્ગેટ બનાવી 15 થી 20 લાખની લૂંટ ચલાવવાની ફિરાકમાં હતી. પરંતુ તે પ્લાન નિષ્ફળ જતા તળાજામાં લૂંટ ચલાવી હતી. 4 પૈકી 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ ખૂલ્યું છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video