Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં દર્દીને લેવા આવેલી 108 ફસાઈ ખાડામાં, ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી, જુઓ વીડિયો

|

Aug 22, 2022 | 11:01 PM

Bhavnagar: શહેરના કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ પર અનેક જગ્યા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેમાં દર્દીને લેવા આવેલી 108નું ટાયર ફસાઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આખરે ટ્રાફિક ક્રેનની મદદથી 108ને ખાડામાંથી કાઢવામાં સફળતા મળી હતી.

ભાવનગર (Bhavnagar) શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ પર રસ્તા પરના ખાડા(Pothole)માં 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. શેરી નંબર 8માં દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ રસ્તા પરના ખાડામાં ફસાઈ ગઈ હતી. દર્દી બિચારા રાહ જોતા બેસી રહ્યા અને ખુદ દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ (Ambulance)ને કાઢવા માટે ટ્રાફિક ક્રેન બોલાવવી પડી હતી. અહીં દર્દીને લેવા માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જતા તેના ડ્રાઈવરે ખાડામાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ખાડામાં ફસાયેલુ ટાયર બહાર નીકળી શક્તુ ન હતુ. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા અને તેમણે પણ એક્ઠા થઈ એમ્બ્યુલન્સને ધક્કો મારવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ ખાડામાં ખૂંપેલુ ટાયર બહાર નીકળતુ ન હતુ. ત્યારબાદ આખરે એમ્બ્યુલન્સને ખાડામાંથી કાઢવા માટે ટ્રાફિક ક્રેન બોલાવવામાં આવી હતી અને ટ્રાફિક ક્રેનની મદદથી એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી.

પાણીની લાઈનને લઈને છેલ્લા 3 મહિનાથી ખોદવામાં આવ્યા છે ખાડા

આ તમામ ઘટનાક્રમ વચ્ચે દર્દી બિચારા કણસતા જમીન પર જ બેસી ગયા હતા અને એમ્બ્યુલન્સ નીકળવાની રાહ જોઈ રહ્યા હતા. આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનાથી કુંભારવાડા વિસ્તારમાં પાણીની લાઈનને લઈને માઢીયા રોડ પર અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને આ ખાડા પુરવામાં આવ્યા નથી. તંત્રની આ પ્રકારની બેદરકારીનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે અને દર્દીઓને સમયસર સારવાર પણ મળી શક્તી નથી. ત્યારે તંત્ર ક્યારે આ ખાડા પુરવાનું કામ કરશે તે તો તંત્ર જ જાણે.

Next Video