ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી
Bhavnagar: ભાવનગર જિલ્લાના ખેડૂતોની દિવાળી સુધરી છે. આ વર્ષે મગફળીનું સારુ ઉત્પાદન થયુ છે અને ખેડૂતોને મગફળીના ભાવ પણ સારા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોના તહેવારની મજા બમણી થઈ છે. રોજ યાર્ડમાં 3000 મણ મગફળીની આવક થઈ રહી છે.
ભાવનગર (Bhavnagar) જિલ્લાના ખેડૂતો આજકાલ ખુશખુશાલ છે. તેમની દિવાળી આ વર્ષે સુધરી ગઈ છે. તેનું કારણ છે આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનો મબલખ પાક ઉતર્યો છે. જેને કારણે ભાવનગરના માર્કેટીંગ યાર્ડમાં રાજ્યભરમાંથી વેપારીઓએ ધામા નાખ્યા છે. અહીં મગફળી (Ground Nut)ની ગુણીઓની ભરમાર છે. આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાને કારણે મોટાભાગના નદી નાળા અને ડેમો ભરાઈ ગયા હતા. સારા વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ખેત પેદાશોમાં બહુ મોટો ફાયદો થયો છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો રોકડિયા પાક તરીકે કપાસ, મગફળી અને ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન તો મબલખ આવશે તે વાત તો પાકી છે, પરંતુ મગફળીનું પણ પુષ્કળ વાવેતર થતાં તેનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard)માં રોજે-રોજે 3,000 મણ કરતા વધારે મગફળી વેચાણ માટે આવી રહી છે.
આવનારા દિવસોમાં મગફળીના વધુ સારા ભાવ મળે તેવો નિષ્ણાંતોનો મત
આવનારા દિવસોમાં હજુ મોટા પ્રમાણમાં મગફળી વેચાણ માટે ખેડૂતો આવશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી રોકડિયા પાક એવા મગફળીનું વેચાણ કરવા ખેડૂતો આવી રહ્યા છે. જોકે ખેડૂતો માટે સૌથી આનંદની વાત એ છે કે ખેડૂતોને મગફળીના ભાવ પણ ઉંચા મળી રહ્યા છે. સારી મગફળીનો ભાવ 1825 રૂપિયે મણ જેટલો આવતાં ખેડૂતોમાં ખુશી છે. સ્વાભાવિક જ મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોને આ વખતની દિવાળી ફળી છે. સારી વાત એ પણ ખરી કે નિષ્ણાંતોના મતે હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચુકેલા ખેડૂતોની ફિકર હવે ખરા અર્થમાં દૂર થઈ છે.