Bhavnagar: વિધાનસભા ચૂંટણી પૂર્વે જ્ઞાતિ આધારિત રાજકારણ તેજ, ક્ષત્રિય સમાજે યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની કરી માગ
Bhavnagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ જ્ઞાતિના આગેવાનો પણ સક્રિય થઈ ગયા છે. ચૂંટણી પૂર્વે હવે જ્ઞાતિ આધારિત રાજનીતિ પણ તેજ થઈ છે. એક પછી એક દરેક સમાજ તેમના ઉમેદવારને ચૂંટણીમાં ટિકિટ અને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી રહ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ પણ બાકાત નથી.
એક તરફ વિધાનસભા ચૂંટણી(Election)ને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પૂર્વે જ્ઞાતિ આધારિત રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાવનગર (Bhavnagar)માં આગામી ચૂંટણી અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જોતા ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી છે. બેઠકમાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community)નો એક જ સૂર જોવા મળ્યો કે જો ક્ષત્રિય સમાજને ટિકિટ નહી મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ અમે હરાવી પણ શકે છે.
ભાવનગરમાં પોણા ત્રણ લાખ ક્ષત્રિય સમાજના મતદારો
મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં કુલ સાત વિધાનસભા બેઠકો પર અઢીથી પોણા ત્રણ લાખ ક્ષત્રિય સમાજના મતદારો છે. ખાસ કરીને ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા અને પાલીતાણા વિધાનસભા બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. ત્યારે આગામી ચૂંટણીમાં ચાર વિધાનસભા બેઠક પૈકી કોઈપણ બે બેઠક પર તમામ રાજકીય પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો હાજર હતા.
જો કે આ અગાઉ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલે વિધાનસભામાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે એવુ નિવેદન આપ્યુ હતુ. જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેલા જેરામ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે લોકશાહીમાં દરેકને માગવાનો અને પોતાની વાત રાખવાનો અધિકાર છે. હાલ ચૂંટણૂ પૂર્વે OBC સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ સહિતના દરેક સમાજ ચૂંટણીમાં ટિકિટ માટેની માગ કરી રહ્યા છે.