Bharuch : અંકલેશ્વરમાં હજારો ટન કચરાનો ડુંગર દૂર કરી નયનરમ્ય બાગ બનાવાશે – જુઓ Video
દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોની યાદીમાં બદનામીની પહેલી હરોળમાં સ્થાન પામેલા અંકલેશ્વરમાં હવે ઘન કચરાની સમસ્યાને ભૂતકાળ બનાવવાની દિશામાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોની યાદીમાં બદનામીની પહેલી હરોળમાં સ્થાન પામેલા અંકલેશ્વરમાં હવે ઘન કચરાની સમસ્યાને ભૂતકાળ બનાવવાની દિશામાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અહીં વર્ષોથી પડેલા હજારો ટન કચરાના ડુંગરને વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂર કરીને જ્યાં આજે દુર્ગંધ અને ગંદકીના કારણે ઊભા રહેવું પણ મુશ્કેલ છે ત્યાં નજીકના સમયમાં નયનરમ્ય બાગ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માત્ર 2.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દરરોજના સોલિડ વેસ્ટનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે. કચરાને ત્રણ હિસ્સામાં વહેંચીને નિકાલ થાય છે:
- ભીનો કચરો: તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનશે, જે પાલિકાના બાગ-બગીચા અને આસપાસના ગામોના ખેતરોમાં જમીન ફળદ્રુપ બનાવવા ઉપયોગી થશે.
- માટી : તેમાંથી લેન્ડફિલિંગ કરવામાં આવશે.
- પ્લાસ્ટિક વેસ્ટ: અલગ કરીને રીપ્રોસેસ્ડ પ્લાસ્ટિક પ્રોડક્ટ યુનિટને રો-મટિરિયલ તરીકે વેચી આવક ઊભી કરવામાં આવશે.
અંકલેશ્વર નગરમાં અંદાજે 34,000 રહેણાંક અને 8,000 કોમર્શિયલ પ્રોપર્ટીમાંથી દરરોજ ઘન કચરો નીકળે છે. પાલિકા 18 વાહનો દ્વારા કચરો એકત્ર કરી સુકવલી સ્થિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ પર પહોંચાડે છે.
7 વર્ષથી ધરબાયેલો કચરો હટાવાઈ રહ્યો છે
મહત્વની વાત એ છે કે નિયમિત વેસ્ટ ઉપરાંત 7 વર્ષથી જમીન પર ધરબાયેલ જૂના વેસ્ટનો પણ નિકાલ ચાલી રહ્યો છે. જૂના વેસ્ટને 1 ટન દીઠ 1020 રૂપિયાના દરે નિકાલ કરી વર્ષોથી પડી રહેલા, સડતા કચરાથી ફેલાતી દુર્ગંધ અને ગંદકીને દૂર કરવાની કાર્યવાહી તેજ બની છે તેમ પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું.
અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટના મોડલ તરીકે રાજ્યમાં નવી ઓળખ બનાવશે
પાલિકાના ચીફ ઓફિસરકેશવ કોલડિયા અનુસાર પ્રોજેક્ટ અંતર્ગત કચરાના ડુંગરોમાંથી અડધાથી વધુનો નિકાલ થઈ ચૂક્યો છે અને દરરોજ કચરાનો ભાર ઘટી રહ્યો છે. સંપૂર્ણ નિકાલ બાદ આ વિસ્તારની સુરત બદલાશે અને પ્રદૂષણ માટે બદનામ રહેલું અંકલેશ્વર હવે વેસ્ટ મેનેજમેન્ટના મોડલ તરીકે રાજ્યમાં નવી ઓળખ બનાવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

