બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જીલ્લો છે, અનેક લોકો પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે ત્યારે વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલનો નાગરાજ નામના પાડાનો ઉછેર કર્યો. આજે તે સાડા ચાર વર્ષનો થયો. પાડો નાનો હતો, ત્યારથી તેને બે ટાઇમ સ્નાન કરાવવાનું અને તેલની માલીશ કરી પોષ્ટીક ખોરાક આપવાનું ચાલુ કર્યું હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ અને ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. હાલ તેનું વજન એક હજાર કિલોથી વધુ છે. થોડા સમય પહેલા આ પાડાને પુષ્કરના મેળામાં લઇ જવાયો હતો, જ્યાં તેનો બીજો નંબર આવ્યો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો. દેશભરમાંથી પુષ્કરમાં 15થી 16 જેટલા પાડા આવ્યા હતા. આ પાડાની સવા કરોડ બોલી બોલાઇ હતી. પરંતુ પશુ માલિક તેને વેચવા નહીં પરંતુ માત્ર સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા અને અન્ય પાડાઓની બ્રિડ જોવા ગયા હતા.
આપને કહી દઇએ કે આસપાસના ગામ લોકો ઠીક, આસપાસના જિલ્લાના લોકો પણ આ પાડાને જોવા આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પશુપાલક દિલીપભાઈએ પાડાને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. અને આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો સૌને ગર્વ છે. બીજી વાત એ પણ કે આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે. ઘણીવાર પશુઓથી લોકોને ડર લાગતો હોય છે, પરંતુ આ પાડાને જોઈને કોઈ ગભરાતું નથી. તેની સાથે લોકો સેલ્ફી પણ લે છે અને ફોટા પણ પાડે છે.
Input Credit- Atul Trivedi- Banaskantha
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:41 pm, Thu, 21 November 24