ગુજરાત ચૂંટણી પરિણામ પહેલા અંબાજી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, પત્ની સાથે કર્યા મા અંબાના દર્શન

|

Dec 06, 2022 | 9:41 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે જાહેર થવાના છે. એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પત્ની હેતલ મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા અને માના દર્શન કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બંને ચરણનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ છે અને પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે એ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પત્ની સાથે અંબાજી જઈ મા અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાત ચૂંટણીમાં જ્વલંત વિજય માટે પ્રાર્થના કરી હતી. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવી શકે છે. જેમાં સતત બીજીવાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ તમામ સંભાવનાનો અંત 8 ડિસેમ્બરે આવશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ની હેતલ સાથે મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા અને જ્યાં મંદિરના બ્રાહ્મણોએ સીએમને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીના મંદિરે ધજારોહણ પણ કર્યુ હતુ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં એક્ઝીટ પોલ મુજબ બની શકે છે ભાજપની સરકાર

ગુજરાતમાં એક્ઝીટ પોલ મુજબ ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. જેમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે છે. પોલ ઓફ ધ પોલ એટલે કે મહા એગ્ઝિટ પોલના તારણો મુજબ ગુજરાતમાં ભાજપને 132 બેઠકો મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસને ફક્ત 38 બેઠકોથી જ સંતોષ માનવો પડી શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને 8 બેઠકો તેમજ અપક્ષોને 4 જેટલી બેઠકો મળી શકે છે. મહા એગ્ઝિટ પોલ મુજબ ભાજપની લહેર સામે તમામ હરીફોના સૂપડાં સાફ થતાં નજરે પડી રહ્યા છે. TV9ના સર્વે પ્રમાણે ભાજપને 125 થી 130 બેઠકો, કોંગ્રેસને 40 થી 50 બેઠકો, આપને 3 થી 5 બેઠકો અને અપક્ષોને 3 થી 7 બેઠકો મળી શકે છે.

Next Video