Banaskantha: ખેતર, રસ્તા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, ગ્રામજનો સામે અનેક પડકાર, જુઓ Video
બનાસકાંઠાના કેટલાક ગામોમાં ચારેકોર પાણી-પાણી ફરી વળતાં જનજીવન વેરવિખેર થયું છે. ગામ જાણે કે છે બેટ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ તમામ સમસ્યા ક્યારે ઉકેલાશે તેને લઈને હજી પણ પ્રશ્નાર્થ છે. વરસાદી પાણીનો મહિનાઓ પછી પણ નીકાલ નહીં થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. રસ્તાઓ પાણીમાં ડૂબેલા જોવા મળે છે. બીજી તરફ ખેતરો બેટમાં ફેરવાયા છે.
બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો પાણીની તંગીથી નહીં પરંતું ભરાયેલા પાણીના કારણે પરેશાન છે. વાવ તાલુકાના ટડાવ ગામના ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. ત્રણ મહિના પહેલા ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડા વખતે પડેલો વરસાદ અને ત્યારબાદ ચોમાસાને કારણે પડેલા વરસાદને લઈ ગામની ચારેતરફ શ્રીકાર પાણી ભરાયેલું છે. ખેતરોમાં પાણી, રસ્તાઓ પર પાણી જ્યાં જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ દેખાઈ છે. આવી સ્થિતિમાં ગ્રામજનો સામે અનેક પડકારો ઉભા થયા છે. ખેતીમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. વારંવર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનો સરકાર સામે મદદનો પોકાર કરી રહ્યાં છે.
આ પણ વાંચો : બનાસકાંઠા GIDC માંથી મળ્યું ભેળસેળ યુક્ત મરચુ, 6 લાખની કિંમતનો જથ્થો જપ્ત, ફોજદારી કોર્ટમાં દાખલ કરાયો કેસ
ગામની ફરતે સતત ભરાયેલા પાણીથી અનેક સમસ્યાઓ જન્મી છે. ગ્રામજનોએ ખેતરોમાં જવા માટે પાણીમાં ચાલીને જવું પડે છે. મોટા લોકો તો પાણીમાં ચાલીને જતા રહે પરંતુ બાળકોનું શું થાય. રસ્તાઓ પાણીમાં ડૂબેલા હોવાથી બાળકોને શાળાએ મુકવા જવામાં મોટી સમસ્યા નડી રહી છે. પાણીના ભરાવને કારણે ગ્રામજનો બીમારી તરફ પણ ધકેલાઈ રહ્યા છે. ભરાયેલા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. ગામમાં કોઈ મહેમાન કે અજાણી વ્યક્તિ આવે ત્યારે પાણીમાં ડૂબેલા રસ્તાઓમાં ફસાઈ જાય છે. આમ ગ્રામજનો આ સમસ્યાથી ત્રાસી ગયા છે. અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે. ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં ન તો તંત્રનું પાણી હલે છે ના ભરાયેલા પાણીનો નિકાલ થાય છે.