“પંખાના કારણે દૂધનું વજનમાં વધઘટ થાય છે”- ભ્રષ્ટાચારના આક્ષેપ સામે કોદરામ ગામની દૂધમંડળીના ચેરમેનનો વિચીત્ર દાવો

બનાસકાંઠાના વડગામ તાલુકાની કોદરામ દૂધમંડળીમાં થયેલી 11 લાખની ગોબાચારી સામે દૂધ મંડળીના ચેરમેને વિચીત્ર બચાવ કર્યો. તેમણે કહ્યુ કે પંખાના કારણે દૂધના વજનમાં વધઘટ થઈ જાય છે.

| Edited By: | Updated on: Sep 17, 2025 | 9:26 PM

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીથી આ વિચિત્ર ઘટના સામે આવી છે. કોદરામ ગામની દૂધ મંડળી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. હાલની ચર્ચાનો કેન્દ્રસ્થાન બની છે દૂધ મંડળીમાં થયેલી આશરે 11 લાખ રૂપિયાની દૂધ ઘટ. આ અંગે ચેરમેનના વિચિત્ર જવાબ બાદ વિવાદ સર્જાયો છે. જેમાં આપને જણાવી દઈ કે વડગામની કોદરામ દૂધ મંડળીમાં 14 સપ્ટેમ્બરે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પશુપાલકોનો આક્ષેપ છે કે અન્ય ગામોમાં 12 ટકા નફો વહેંચાયો હતો. જ્યારે કોદરામ ગામમાં માત્ર 6.25 ટકા જ નફો વહેંચવાની વાત કરાઈ.

પશુપાલકોએ સવાલ ઉઠાવ્યા હતા કે આખરે 50 ટકા ભાવ વધારો ઓછો કેમ ? જે અંગે ડેરીના ચેરમેન દ્વારા એવો જવાબ અપાયો હતો કે. “પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને તેની વધઘટ થઈ છે.” પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનમાં વધઘટ થાય તે જવાબ ગળે ઉતરે એવો નથી. પશુપાલકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે સાથે જ હિસાબમાં ગોટાળા અને ઓડિટ ન થવાનો પણ આરોપ લાગ્યો છે. હાલ 12થી 13 ટકા નફો આપવા માંગણી કરી છે.

કારોબારી સભ્યોમાં પશુપાલકોને સામેલ ન કરાતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. તો જે પશુપાલકો કારોબારી સભ્યો તરીકે જોડાયા છે. તેમને વિવિધ બહાના હેઠળ રદ કરી દેવાતા હોવાના પણ આક્ષેપ છે.

પશુપાલક બહેનોનું કહેવું છે કે તેઓ ઠંડી, ગરમી કે વરસાદના પ્રતિકૂળ સંજોગોમાં પણ સવારે 4 વાગે ઉઠીને કામ કરે છે. આખું વર્ષ મહેનત કર્યા બાદ… જ્યારે નફાની આશા હોય.. ત્યારે તેમને એવું કહી દેવાયું કે 11 લાખની ઘટ પડી છે.

6 -7 વર્ષથી દૂધ મંડળી વાર્ષિક અહેવાલ પણ ન આપતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ત્યારે સમગ્ર મામલે બનાસ ડેરી દ્વારા તપાસ થાય તેવી માંગ ઉઠી છે. તો બનાસ ડેરીની ચૂંટણી નજીક હોઈ. આ મામલો ગરમાય તેવી શક્યતા છે.

છોટાઉદેપુરના તુરખેડામાં વધુ એક પ્રસુતાનુ સમયસર સારવાર ના મળવાને કારણે મોત, રસ્તાના અભાવે ન પહોંચી શકી 108 એમ્બ્યુલન્સ- Video