બનાસકાંઠાના સૂઈગામ તાલુકામાં વરસાદ રહી ગયા બાદ પણ હાલાકી યથાવત છે. વિનાશક પૂરને કારણે આજે 10 દિવસ બાદ પણ અનેક ગામોમાંથી હજુ પાણી ઓસર્યા નથી તો બીજી તરફ નેસડા ગોલપ ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં 40 ગાયોના મોત થયા છે. ગૌશાળા તરફના તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે. પૂરના પાણીમાં ગાયોનો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો છે. ત્યારે ગૌશાળા સંચાલકોએ સરકાર સમક્ષ યોગ્ય સહાયની માગ કરી રહ્યા છે
ભારેશ્વર ગૌશાળામાં હાલ 350 થી વધુ ગાયો છે ત્યારે તેમના માટે સત્વરે વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
આ તરફ સુઈગામ તાલુકામાં ભારે વરસાદે લોકોનું જનજીવનને ખોરવી નાંખ્યું છે. તેમાંથી ગરામડી ગામના ધરતીપુત્રો પણ બાકાત નથી રહ્યા. વરસાદે વિરામ તો લીધો પરંતુ, ગરામડી ગામના ખેતરોમાં ભરાયેલા પાણી 10 દિવસે પણ નથી ઓસર્યા. સતત 10 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા કૃષિપાક સડી ગયો છે.. સરકારે હજુ સુધી પાક નુકસાનીનો સર્વે ન કર્યો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું.
ગરામડી ગામે ખેડૂતોએ તલ, અડદ અને એરંડાના પાકોનું વાવેતર કર્યું હતું અને ખેડાણ, બિયારણ મળી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ, અતિવૃષ્ટિએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોના મતે, પાણી વહેલા નહીં ઓસરે તો શિયાળુ પાક પણ ફેલ જશે.
ત્યારે ગરામડી ગામના ખેડૂતો હવે સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માગ કરી રહ્યા છે. બીજી તરફ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ પાક નુક્સાનીને લઈને રજૂઆત કરી હોવાનું જણાવ્યું.