સુરેન્દ્રનગરના સાયલામાં લૂંટની ઘટના સામે આવી છે. અંદાજીત 1400 કિલોના ચાંદીની લૂંટ થઈ હોવાની માહિતી મળી રહી છે. આંગડિયા પેઢીનો કર્મચારી પાર્સલ લઈને અમદાવાદ જઈ રહ્યો હતો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી. ત્રણથી ચાર વાહનોમાં આવેલા ગઠિયાઓએ વાહનને આંતરીને લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.
હાલ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. લૂંટારુઓ કઇ દિશામાં ગયા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ લૂંટારુંઓનું પગેરું શોધવા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
તો રેન્જ આઇ.જી. સહિત જીલ્લા પોલીસ અધિકારીઓ તપાસમા જોતરાયા છે.મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જીલ્લાના અધિકારીઓ અને પોલીસની 15 ટીમો બનાવી તાત્કાલિક લુટના આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલ ન્યુ એર સર્વિસ કંપનીની ચાંદી સહિતની કિંમતી જ્વેલરીની લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસે પાર્સલ ઓફિસના સીસીટીવીની ચકાસણી કરી હતી. ન્યુ એર સર્વિસના માલિક તેમજ કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરાઇ હતી. બીજી તરફ સિલ્વર એસોસિએશનના પ્રમુખ પણ ન્યૂઝ એર સર્વિસની ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે જે લૂંટ થઇ છે તેમાં અલગ અલગ વેપારીઓનો માલ હતો અને અમને સરકાર અને પોલીસ પર વિશ્વાસ છે કે અમારો માલ પરત આવી જશે.
Published On - 11:27 am, Sat, 18 February 23