Amreli Breaking News : સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી મદદ માટે, જુઓ-Video

| Updated on: May 30, 2026 | 2:56 PM

સિંહબાળના મોત બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. મુખ્ય વન સંરક્ષક (PCCF) સહિતના અધિકારીઓએ રાજુલા અને પીપાવા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતની વધતી ઘટનાઓ વચ્ચે વન વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. છેલ્લા થોડા દિવસમાં 8 સિંહબાળના મોત નોંધાતા તંત્રમાં ચિંતા વ્યાપી છે. કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) જેવા લક્ષણો જોવા મળતા વન વિભાગે તાત્કાલિક દેખરેખ અને તપાસની કામગીરી તેજ કરી છે.

સિંહોના મોતની ઘટનાઓ વચ્ચે વન વિભાગ સતર્ક

સિંહબાળના મોત બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. મુખ્ય વન સંરક્ષક (PCCF) સહિતના અધિકારીઓએ રાજુલા અને પીપાવા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સિંહોના રહેઠાણ વિસ્તારોમાં જઈ સિંહબાળના જૂથો તેમજ અન્ય સિંહોની તંદુરસ્તી અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.

વનતારાની ટીમ પણ પહોંચી

આ ઉપરાંત, જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પણ વિશેષ તબીબી અને તકનીકી ટીમો પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. વનતારા અને પશુચિકિત્સા નિષ્ણાતોની મદદથી સિંહોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંભવિત ચેપને રોકવા માટે સેમ્પલ એકત્રિત કરી તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ફિલ્ડ કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા

વન વિભાગે ગીરના તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકરો અને ફિલ્ડ કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સિંહોની હિલચાલ, વર્તન અને સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહોમાં કોઈપણ પ્રકારના ચેપજન્ય રોગના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. બીમાર અથવા અસામાન્ય વર્તન દર્શાવતા સિંહોની ઓળખ કરી તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ, ગીરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલા સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. તંત્રનું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી એશિયાટિક સિંહોની વસ્તી પર કોઈ ગંભીર અસર ન થાય.

Breaking News : સૌથી સંવેદનશીલ વિસ્તાર હરામીનાળા પહોંચ્યા અમિત શાહ, સુરક્ષા અંગે સમીક્ષા કરી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us